<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

વર્ષોની જવાબદારીનો ભાવુક અંતઃ હવે કેપ્‍ટન નહીં, ખેલાડી તરીકે દેશની સેવા કરશે

કપ્તાની છોડતાં હરમનપ્રીતની આંખોમાં આંસુઃ ટીમ માટે પોતાની મહત્‍વાકાંક્ષાઓ પણ કુરબાન કરી ‘ટીમ હમેંશા મારા કરતાં પહેલાં રહી': હરમનપ્રીતે સાથી ખેલાડીઓ અને ચાહકોનો માન્‍યો આભાર

નવી દિલ્‍હી, તા.૬: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની લાંબા સમયથી કેપ્‍ટન રહેલી હરમનપ્રીત કૌરે કેપ્‍ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કરતાં ભાવુક થઈ ગઈ હતી. ટીમના નેતળત્‍વની જવાબદારી સંભાળતી વખતે ટીમના હિતને હંમેશા પોતાની વ્‍યક્‍તિગત મહત્‍વાકાંક્ષા કરતાં ઉપર રાખ્‍યાનું તેણે જણાવ્‍યું હતું.

હરમનપ્રીત માટે કેપ્‍ટનશીપ માત્ર એક પદ નહોતું, પરંતુ દેશ માટે કંઈક કરવાની અને ટીમને સફળતાના શિખરે પહોંચાડવાની મોટી જવાબદારી હતી. વર્ષો સુધી મેદાન પર કેપ્‍ટન તરીકે અનેક પડકારોનો સામનો કરતી વખતે તેણે જીતની સાથે હાર પણ સ્‍વીકારી અને મુશ્‍કેલ સમયમાં ટીમને એકજૂથ રાખવાનો પ્રયાસ કર્યો હતો. હરમનપ્રીતે પોતાની લાગણી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું કે ટીમ માટે રમવું અને તેનું નેતળત્‍વ કરવું તેના માટે હંમેશા ગૌરવની વાત રહી છે. ટીમને આગળ વધારવાની દોડમાં ઘણી વખત પોતાની વ્‍યક્‍તિગત ઇચ્‍છાઓ અને મહત્‍વાકાંક્ષાઓને પાછળ રાખવી પડી હતી. ખેલાડી તરીકે પોતાની રમત અને વ્‍યક્‍તિગત લક્ષ્યો કરતાં ટીમની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી હતી. હવે કેપ્‍ટનશીપ છોડવાનો સમય આવ્‍યો છે ત્‍યારે આ સમગ્ર સફરની યાદો તેને ભાવુક કરી રહી છે. હરમનપ્રીતના નેતળત્‍વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અનેક મહત્‍વપૂર્ણ મુકામ હાંસલ કર્યા છે. તેના કાર્યકાળ દરમિયાન ટીમે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં મજબૂત છાપ ઊભી કરી અને અનેક યાદગાર મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ કરીને મોટા ટુર્નામેન્‍ટોમાં ટીમને આગળ લઈ જવામાં હરમનપ્રીતની ભૂમિકા મહત્‍વપૂર્ણ રહી છે. કેપ્‍ટન તરીકે તેણે યુવા ખેલાડીઓને તક આપી તેમને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પોતાની ઓળખ બનાવવામાં પણ મદદ કરી હતી. કેપ્‍ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કરતી વખતે હરમનપ્રીતે સાથી ખેલાડીઓ, કોચિંગ સ્‍ટાફ, સપોર્ટ સ્‍ટાફ અને ચાહકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેની કેપ્‍ટનશીપની સફરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્‍યા, પરંતુ ટીમ માટેનો તેનો જુસ્‍સો કયારેય ઓછો થયો નથી. હવે નવી કેપ્‍ટનના નેતળત્‍વ હેઠળ ટીમ આગળ વધશે અને હરમનપ્રીત પોતાના અનુભવનો લાભ ખેલાડી તરીકે  ટીમને આપશે.

 કેપ્‍ટનશીપમાંથી મુક્‍ત થયા બાદ પણ હરમનપ્રીતનો ભારતીય ટીમ સાથેનો સંબંધ પૂરો થયો નથી. હવે તેના ખભા પરથી નેતળત્‍વનું દબાણ હટી ગયું છે અને તે માત્ર પોતાની રમત પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી શકશે. અનુભવી ખેલાડી તરીકે ડ્રેસિંગ રૂમમાં યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાની પણ તેની મોટી ભૂમિકા રહેશે. લાંબી કેપ્‍ટનશીપ સફરને ભાવુક વિદાય આપ્‍યા બાદ હરમનપ્રીત હવે નવી ભૂમિકામાં ભારતીય મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા મેદાનમાં ઉતરશે.

(3:39 PM IST)