<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

રણજી ટ્રોફીમાં ૩૬ વર્ષ બાદ ઇતિહાસ રચતા ઓલરાઉન્ડર મુશીર ખાને એક જ મેચમાં સદી અને પાંચ વિકેટ ઝડપી

યુવા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરી રવિ શાસ્ત્રીના રેકોર્ડની બરાબરી કરી, હરિયાણા સામે મુંબઈની શાનદાર ૧૦ વિકેટે વિજય મેળવી મેળવ્યા બોનસ પૉઇન્ટ.

મુંબઈ : બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતે આવેલા શરદ પવાર ક્રિકેટ ઍકેડેમીના મેદાન પર રમાયેલી રોમાંચક રણજી ટ્રોફી મેચમાં મુંબઈની ટીમે હરિયાણા સામે ૧૦ વિકેટે શાનદાર વિજય મેળવીને એલીટ ગ્રુપ-ડીમાં પોતાના ૨૧ પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મજબૂત કર્યું છે, જેમાં યુવા ઓલરાઉન્ડર મુશીર ખાને ૩૬ વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ પુનરાવર્તિત કરીને સમગ્ર દેશમાં મુંબઈનું નામ રોશન કર્યું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૧ વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન અને લેફ્ટ-આર્મ સ્પિનર મુશીર ખાને રણજી ટ્રોફીની એક જ મૅચમાં શાનદાર સદી ફટકારવાની સાથે એક જ દાવમાં પાંચ વિકેટ ઝડપવાની અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. મુંબઈ માટે આટલી મોટી સિદ્ધિ છેક ૧૯૯૦માં દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ મધ્ય પ્રદેશ સામે મેળવી હતી, અને હવે ૩૬ વર્ષના લાંબા અંતરાલ બાદ મુશીરે આ ગૌરવશાળી પરાક્રમ પોતાના નામે કર્યું છે.

 

મેચની વિગતવાર માહિતી આપતા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મુશીર ખાને હરિયાણા સામેના પ્રથમ મુકાબલામાં ૧૮૫ બૉલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી આક્રમક ૧૦૯ રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ કુલ ૪૩૦ રનનો મજબૂત સ્કોર ખડો કર્યો હતો. ત્યારબાદ બોલિંગમાં કમાલ કરતા મુશીરે માત્ર ૮૫ રન આપીને હરિયાણાની ૬ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી લીધી હતી અને હરિયાણાને ફૉલો-ઑન ફરજ પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

 

હરિયાણાની ટીમ દ્વારા બીજા દાવમાં ૨૫૬ રન બનાવવામાં આવ્યા બાદ જીતવા માટે મળેલા ૯૭ રનના સામાન્ય લક્ષ્યાંકને મુંબઈએ ઓપનર અંગક્રિશ રઘુવંશીના અણનમ ૬૭ રનની મદદથી વિના વિકેટે મેળવી લીધો હતો. આ બીજા દાવમાં પણ મુશીર ખાને બે વિકેટ લીધી હતી, જ્યારે ઓફ-સ્પિનર તનુષ કોટિયને ૮૧ રનમાં ૮ વિકેટ ઝડપીને હરિયાણાના બેટિંગ ક્રમનો ધ્વંસ કર્યો હતો.

 

મુંબઈ ક્રિકેટના ઇતિહાસમાં એક જ મૅચમાં સદી અને પાંચ વિકેટ લેવાની આ સિદ્ધિ અગાઉ મદન રાઇજી (૧૯૪૭), દત્તુ ફડકર (૧૯૪૮), વિનુ માંકડ (૧૯૫૩), પૉલી ઉમરીગર (૧૯૫૭) અને રવિ શાસ્ત્રી (૧૯૯૦) જેવા દિગ્ગજોના નામે રહી છે, જેમાં હવે મુશીર ખાનનું નામ પણ સુવર્ણ અક્ષરે જોડાઈ ગયું છે.

 

સિદ્ધેશ લાડના સુકાનમાં રમી રહેલી ૪૨ વખતની ચેમ્પિયન મુંબઈ ટીમની આ નવા સત્રમાં સતત ત્રીજી જીત છે અને બોનસ પૉઇન્ટ સાથે મળેલા આ વિજયે આગામી મેચો માટે ટીમનોત્મસાહ અને આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચાડી દીધો છે.

(6:21 PM IST)