<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ભારતમાં પહેલીવાર યોજાનારી હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની યજમાની અમદાવાદ કરશે

આપણા સૌ માટે આ ગૌરવની બાબત છે કે, ભારતમાં પહેલીવાર યોજાનારી હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નું આયોજન અમદાવાદમાં થઇ રહ્યું છે. રમત-ગમત ક્ષેત્રે ગુજરાત એક મહત્વનું હબ બની રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી :5થી 9 સપ્ટેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર 20 દેશોના 100 થી વધુ ખેલાડીઓ સ્પર્ધા કરશે.

અમદાવાદ : અમદાવાદ શહેર ભારતમાં પહેલીવાર યોજાનારી હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS) ની યજમાની કરશે. આ અંતર્ગત અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 5 થી 9 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પાંચ દિવસ માટે 20 દેશોના 100 થી વધુ ખેલાડીઓ એકસાથે જોવા મળશે.
આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત આ ઐતિહાસિક ઈવેન્ટમાં વિશ્વના અગ્રણી પેરા તીરંદાજો રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, W1 અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ (દ્રષ્ટિહીન) કેટેગરીમાં સ્પર્ધા કરશે.
આ ઈવેન્ટનું વિધિવત ઉદ્ઘાટન 4 સપ્ટેમ્બર 2026ના રોજ ધ ફોરમ - હોટેલ એન્ડ કન્વેન્શન ખાતે થશે. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “દરેક તીર હિંમતની વાર્તા કહે છે એ થીમ આધારિત આ ઉદ્ઘાટન સમારોહ પેરા-એથ્લેટ્સના દ્રઢ મનોબળ, સ્થિતિસ્થાપકતા અને રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરશે, જેમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ચોકસાઈ અને સમર્પણ જોવા મળશે,’’.
 હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટ્સની યજમાની માટે એક મહત્વનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય સિરીઝનું આયોજન રમતગમતના મોટા કાર્યક્રમો માટેના સ્થળ તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબૂત કરશે અને પેરા-તીરંદાજીને વૈશ્વિક મંચ પૂરો પાડશે.”
આ સ્પર્ધામાં ભારત, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવેકિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક, રશિયન ફેડરેશન અને શ્રીલંકાના ખેલાડીઓ ભાગ લેશે.
ભારતના અગ્રણી દાવેદારોમાં પેરિસ 2024 પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિંદર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન અને પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી, અર્જુન એવોર્ડી અને વર્લ્ડ પેરા આર્ચરી મેડલ વિજેતા રાકેશ કુમાર અને પેરાલિમ્પિયન શ્યામ સુંદર સ્વામી સામેલ છે.
આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન કરવું એ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા માટે ખૂબ જ ગૌરવની વાત છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ પેરા તીરંદાજોને ભારતમાં લાવવાથી આપણા ખેલાડીઓને વિશ્વસ્તરીય સ્પર્ધાત્મક તક મળશે અને નવી પેઢીના ખેલાડીઓને પ્રેરણા મળશે. અમદાવાદની પસંદગી એ પણ દર્શાવે છે કે ભારતની મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટ્સ યોજવાની ક્ષમતા વધી રહી છે અને સમાવેશી તથા સુલભ રમત પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા મજબૂત થઈ રહી છે.”
આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, “ભારતમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન એ આ રમત અને પેરા આર્ચરી ઇકોસિસ્ટમના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ભારતીય ધરતી પર વૈશ્વિક ક્ષેત્રના ખેલાડીઓ, કોચ અને આંતરરાષ્ટ્રીય તીરંદાજી સમુદાયને એકસાથે લાવવાથી વિશાળ દર્શક વર્ગ સમક્ષ પેરા આર્ચરીની ક્ષમતા દર્શાવવાની તક મળશે. વિશ્વભરમાંથી 100 થી વધુ ખેલાડીઓ આવવાની ધારણા સાથે, આ ઈવેન્ટ રમતને વધુ વિઝિબિલિટી આપશે અને વૈશ્વિક પેરા આર્ચરી સમુદાય વચ્ચે વધુ મજબૂત જોડાણ બનાવશે.”
આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરી માટે ભારતને એક નિયમિત ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાની દિશામાં પણ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત 2027માં એશિયા કપ આર્ચરી ટુર્નામેન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય તીરંદાજી ઈવેન્ટ્સની યજમાની કરવા માટે તૈયાર છે, ત્યારે આ ઈવેન્ટ આંતરરાષ્ટ્રીય તીરંદાજી કેલેન્ડરમાં ભારતની વધતી ભૂમિકાને વધુ વેગ આપશે.
અમદાવાદ વિશ્વભરના ખેલાડીઓની યજમાની કરવા માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે હ્યુન્ડાઇ વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ 2026 દરેક તીર પાછળની સાહસિક વાર્તાઓની ઉજવણી કરવાની સાથે ગુજરાતને વૈશ્વિક રમતગમતના ક્ષેત્રે ખાસ સ્થાન અપાવવા માટે સજ્જ છે.

(7:52 PM IST)