News of Tuesday, 15th September 2026
રોહિતના મુદ્દે અગરકરનો ‘અણગમો'! ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરની ખુરશી પર સંકટ
બીસીસીઆઇ અગરકરનો કાર્યકાળ લંબાવવા ઉત્સુક, પણ રોહિત શર્માના ભવિષ્ય અંગે મતભેદથી પેચ ફસાયો : વર્લ્ડ કપ પહેલાં પસંદગી સમિતિમાં ફેરફારનું જોખમ : આગામી ૪૮ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થવાની શકયતા

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરના ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં સસ્પેન્સ સર્જાયું છે. અગરકરનો સત્તાવાર કાર્યકાળ પૂર્ણ થઈ ચૂકયો છે અને હવે બીસીસીઆઇ તેમનો કોન્ટ્રાક્ટ આગળ વધારવા માગે છે. જોકે, રોહિત શર્માના ભવિષ્યને લઈને સર્જાયેલા મતભેદો વચ્ચે અગરકર પદ પર ચાલુ રહેવા અંગે અસમંજસમાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આગામી વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા અગરકરનું પદ પર રહેવું ટીમ ઈન્ડિયા માટે મહત્વનું માનવામાં આવે છે. ટીમની પસંદગી, ખેલાડીઓના સંયોજન અને આગામી મોટા ટુર્નામેન્ટની તૈયારીઓમાં મુખ્ય પસંદગીકારની ભૂમિકા નિર્ણાયક રહે છે.
રોહિત શર્માના વન-ડે ભવિષ્ય અંગે અગાઉથી જ બીસીસીઆઇ સ્તરે ચર્ચા ચાલી રહી છે. સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ બેઠકમાં પણ રોહિતના ભવિષ્ય અને ૨૦૨૭ના વર્લ્ડ કપની યોજનાને લઈને ચર્ચા થઈ હતી.
હવે જો અગરકર પદ છોડે છે તો વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે નવા ચીફ સિલેક્ટરની નિમણૂક કરવાની જવાબદારી બીસીસીઆઇ સામે આવશે. નવી પસંદગી સમિતિને ટીમ મેનેજમેન્ટ, કેપ્ટન અને બોર્ડ સાથે તાલમેલ બેસાડવામાં સમય લાગી શકે છે. તેથી આગામી દિવસોમાં બીસીસીઆઇ અગરકરને જ જવાબદારી સોંપે છે કે નવો ચહેરો લાવે છે તેના પર સૌની નજર છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
