તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
અફઘાનિસ્તાનના કેપ્ટન રહમત શાહે રચ્યો ઇતિહાસ, આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમવાર ટોપ-૧૦માં મેળવ્યું સ્થાન
ઝિમ્બાબ્વે સામે ૧૭૩ રનની શાનદાર ઇનિંગ રમીને છ સ્થાનની છલાંગ લગાવી, શુભમન ગિલ અને એડન માર્કરામને પાછળ છોડ્યા

કાબુલ : અફઘાનિસ્તાનના ક્રિકેટ ઇતિહાસમાં એક ગૌરવવંતી અને ઐતિહાસિક ક્ષણ સામે આવી છે, જ્યાં રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રહમત શાહે આઈસીસી (ICC) ની નવી ટેસ્ટ રેન્કિંગમાં શાનદાર છલાંગ લગાવીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અફઘાનિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન અગાઉ ક્યારેય ટોપ-૧૦ રેન્કિંગમાં સ્થાન મેળવી શક્યો ન હતો, પરંતુ રહમત શાહે આ અશક્ય જણાતી સિદ્ધિને પાર કરીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.
મળતી વિગતો અનુસાર, તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રહમત શાહે અદભુત બેટિંગ પ્રદર્શન કરતા ૧૭૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના પરિણામે તાજા રેન્કિંગમાં તે છ સ્થાનના જબરદસ્ત ઉછાળા સાથે સીધા સાતમાં ક્રમે પહોંચી ગયા છે. આ સાથે તેમનું રેટિંગ વધીને ૭૩૫ પર પહોંચી ગયું છે, અને જો અફઘાન ટીમ આ જ પ્રકારે સતત ટેસ્ટ મેચો રમતી રહેશે તો તેઓ ટૂંક સમયમાં જ ટોપ-૫ માં સ્થાન મેળવી લેશે તેવી પ્રબળ સંભાવના છે.
કારકિર્દીની પાંચમી ટેસ્ટ સદી ફટકારનાર રહમત શાહના આ કૂદકાને કારણે ક્રિકેટ જગતના દિગ્ગજ બેટ્સમેનો પાછળ ધકેલાયા છે, જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ, દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ અને શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસ જેવા ખેલાડીઓ એક-એક સ્થાન નીચે ઉતરી ગયા છે. નોંધનીય છે કે તાજેતરમાં અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામે શ્રેણી જીતીને આઈસીસી વનડે (ODI) રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને સ્થાન મેળવ્યું છે, જે તેમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ સફરને આગળ ધપાવતા અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનનું પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ચસ્વ યથાવત રહ્યું છે, જેઓ ૭૬૦ ના શાનદાર રેટિંગ સાથે વનડે બોલરોના રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે અને બીજા ક્રમાંકિત બોલર કરતા લગભગ ૧૦૦ પોઈન્ટ આગળ છે. આગામી સમયમાં અફઘાન ટીમનું આ શાનદાર ફોર્મ અન્ય મોટી ટીમો માટે પણ મોટો પડકાર બની રહેશે અને આ વૈશ્વિક સફળતાથી યુવા ખેલાડીઓમાં નવો ઉત્સાહ સંચારિત થશે
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
