તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ક્રિકેટ જગતમાં નવો 'તુફાની' અવતાર: માત્ર ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેલના અજેય રેકોર્ડને આપ્યો ખુલ્લો પડકાર!
ટી૨૦ ક્રિકેટમાં ૨૦૦ રનનો આંકડો સર કરવાનું લક્ષ્ય રાખીને આ યુવા બેટ્સમેને આખા વિશ્વના બોલરોની ઊંઘ હરામ કરી, શું ગેલનો ૧૭૫ રનનો રેકોર્ડ હવે જોખમમાં છે?

રાજકોટ, તા.25: ક્રિકેટના મેદાનમાં જ્યારે કોઈ ૧૫ વર્ષનો યુવાન દિગ્ગજ ખેલાડીઓને પડકાર ફેંકે, ત્યારે તે ચોક્કસપણે ચર્ચાનો વિષય બને છે. બિહારના આ વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ હવે કંઈક એવું જ કર્યું છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે પોતાની આક્રમક બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરનાર વૈભવે હવે પોતાનું નિશાન સાધ્યું છે 'યુનિવર્સ બોસ' તરીકે ઓળખાતા ક્રિસ ગેલ પર. વૈભવે જાહેર મંચ પરથી દાવો કર્યો છે કે તે ટી૨૦ ક્રિકેટમાં બેવડી સદી (૨૦૦ રન) ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનવા માંગે છે.
ક્રિસ ગેલે ૨૦૧૩માં આઈપીએલ દરમિયાન પુણે વોરિયર્સ સામે ૧૭૫ રનની અણનમ ઇનિંગ રમી હતી, જે એક દાયકાથી પણ વધુ સમયથી ટી૨૦ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર રહ્યો છે. કેવિન પીટરસનના શો પર વાત કરતા વૈભવે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "જો મને પૂરી ૨૦ ઓવર રમવાની તક મળે, તો હું ૨૦૦ રન બનાવીને ગેઈલનો રેકોર્ડ ચોક્કસપણે તોડી નાખીશ." વૈભવનો આ આત્મવિશ્વાસ કોઈ હવામાં કરેલી વાતો નથી, કારણ કે તેના આંકડા તેની ક્ષમતાની સાક્ષી પૂરે છે.
વૈભવ સૂર્યવંશીની કારકિર્દી પર નજર કરીએ તો, આ યુવા ખેલાડી અગાઉ પણ પોતાની તોફાની ઇનિંગ્સથી ક્રિકેટ જગતને ચોંકાવી ચૂક્યો છે. પછી તે વિજય હજારે ટ્રોફીમાં બિહાર માટે રમતા ૧૯૦ રન હોય, કે પછી અંડર-૧૯ વર્લ્ડ કપમાં ૧૭૫ રનની ઇનિંગ, વૈભવે હંમેશા વિરોધી બોલરોની ધુલાઈ કરી છે. એટલું જ નહીં, ઇંગ્લેન્ડ અંડર-૧૯ સામે માત્ર ૫૨ બોલમાં સદી ફટકારીને તેણે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
આજના આધુનિક ક્રિકેટમાં જ્યાં બેટ્સમેનો નવા રેકોર્ડ્સ બનાવવાની હોડમાં છે, ત્યાં વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીનું આગમન ભારતીય ક્રિકેટ માટે એક ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે. હવે સૌની નજર એ વાત પર છે કે આ કિશોર બેટ્સમેન ક્યારે મેદાન પર ઉતરીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખે છે. શું ખરેખર વૈભવ ગેલના કિલ્લાને તોડી શકશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ક્રિકેટ જગત આતુર છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
