News of Wednesday, 23rd September 2026
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વધુ એક સણસણતો તમાચો: ઓસ્ટ્રેલિયન બોલિંગ કોચ એશ્લી નોફ્કેએ PCB નો સાથ છોડી નેધરલેન્ડ્સની ટીમ સાથે હાથ મિલાવ્યા!
કરાર પૂરો થવાના નવ મહિના પહેલા જ પાકિસ્તાન ટીમને બાય-બાય કહ્યું; PCB ના આંતરિક વિવાદો અને અવ્યવસ્થિત વહીવટથી કંટાળીને વિદેશી કોચે લીધો મોટો નિર્ણય.

કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નો આંતરિક વિવાદ અને અસ્થિરતા હવે વૈશ્વિક સ્તરે તેની મજાક ઉડાવી રહી છે. છેલ્લા થોડા જ વર્ષોમાં કોચિંગ સ્ટાફમાં ૧૧ થી વધુ વખત ફેરફાર કરનાર PCB ને વધુ એક આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી અને પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ એશ્લી નોફ્કે (Ashley Noffke) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેનો પોતાનો કરાર સમય પહેલાં જ તોડીને નેધરલેન્ડ્સ (ડચ) રાષ્ટ્રીય ટીમ સાથે મુખ્ય કોચિંગ સ્ટાફ તરીકે જોડાવાની જાહેરાત કરી દીધી છે.
કરાર પૂરો થાય તે પહેલાં જ પાકિસ્તાન છોડી દીધું
નોફ્કેને તાજેતરમાં જ ઉમર ગુલના સ્થાને પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા અને PCB એ તેમની સાથે જૂન ૨૦૨૭ સુધીનો લાંબો કરાર કર્યો હતો. પરંતુ બોર્ડના અયોગ્ય વર્તન અને અસ્થિર વાતાવરણથી કંટાળીને તેમણે મુદત પૂરી થવાના નવ મહિના પહેલા જ રાજીનામું આપી દીધું છે. તેઓ એશિયન ગેમ્સ ૨૦૨૬ પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે નેધરલેન્ડ્સ ટીમનો કાર્યભાળ સંભાળશે.
આ અગાઉ પણ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જેસન ગિલેસ્પીએ હેડ-કોચ બન્યાના ટૂંક જ સમયમાં PCB ના વહીવટથી કંટાળીને પાકિસ્તાની ટીમ છોડી દીધી હતી.
નેધરલેન્ડ્સ સાથે બે વર્ષનો કરાર
ડચ ક્રિકેટ બોર્ડ સાથે બે વર્ષનો કરાર કર્યા બાદ એશ્લી નોફ્કેએ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે:
"હું નેધરલેન્ડ્સની પુરુષ ક્રિકેટ ટીમ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. આ ટીમ તાજેતરના T20 વર્લ્ડ કપમાં સતત ક્વોલિફાય થઈ રહી છે. અહીંના ખેલાડીઓ અત્યંત ટેલેન્ટેડ અને પ્રેરણાદાયી છે."
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હેડ-કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ કોચ ઉમર ગુલ જેવા દિગ્ગજોને અચાનક હટાવી દેવાના નિર્ણયો બાદ હવે વિદેશી કોચ પણ PCB પર ભરોસો મૂકવા તૈયાર નથી, જેણે પાકિસ્તાન ક્રિકેટને વૈશ્વિક મંચ પર ભારે શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
