<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

રાજસ્થાન રોયલ્સમાં ‘મિત્તલ રાજ’ની શરૂઆત થતા જ મોટો ધડાકો: રિયાન પરાગની કેપ્ટનપદેથી છુટ્ટી? નવા માલિકોએ આવતાની સાથે જ લીધો કડક નિર્ણય

15,660 કરોડમાં ફ્રેન્ચાઈઝી ખરીદ્યા બાદ એક્શન મોડમાં મિત્તલ ગ્રુપ અને અદાર પૂનાવાલા; ઈજાનું બહાનું કે ખરાબ ફોર્મનો દંડ? જયપુરમાં યશસ્વી જયસ્વાલને સોંપાયું સુકાન

જયપુર : આઈપીએલ ૨૦૨૬માં રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ અત્યારે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ ચર્ચાનું કેન્દ્ર બની છે. ટીમની માલિકીમાં થયેલા ઐતિહાસિક ફેરફાર બાદ શનિવારે જયપુરમાં રમાયેલી ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ટીમના નવા માલિકો - મિત્તલ ઉદ્યોગગૃહ અને અદાર પૂનાવાલાના આગમન સાથે જ કેપ્ટન રિયાન પરાગને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે અને ટીમની કમાન યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને સોંપવામાં આવી છે.
શું ખરેખર ઈજા છે કે પછી હકાલપટ્ટી?
સત્તાવાર રીતે એવું જણાવવામાં આવ્યું છે કે ૧ મે ના રોજ દિલ્હી સામેની મેચમાં રિયાન પરાગને પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ગુજરાત સામેની મેચમાં નથી રમી રહ્યો. જોકે, ક્રિકેટના વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા છે કે આ માત્ર ઈજા નથી, પરંતુ નવા માલિકો દ્વારા લેવાયેલો એક રણનીતિક નિર્ણય છે. રિયાન પરાગનું પ્રદર્શન ૧ મે ની એક ઈનિંગને બાદ કરતાં સમગ્ર ટૂર્નામેન્ટમાં અત્યંત નિરાશાજનક રહ્યું છે. નવા માલિકો પ્લે-ઓફ પહેલા ટીમને ટોપ-ટૂમાં જોવા માંગે છે અને નબળા પ્રદર્શન કરનારા કેપ્ટનને સહન કરવા તૈયાર નથી.
મિત્તલ-પૂનાવાલાની 15,660 કરોડની એન્ટ્રી
જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી એન. મિત્તલ, તેમના પુત્ર આદિત્ય મિત્તલ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ અંદાજે ૧૫,૬૬૦ કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે રાજસ્થાન રોયલ્સનું ફ્રેન્ચાઈઝી ખરીદી લીધું છે. શનિવારની મેચ પહેલા લક્ષ્મી મિત્તલ જાતે ખેલાડીઓને મળ્યા હતા અને રિયાન પરાગ તથા યશસ્વી જયસ્વાલ સાથે લાંબી ચર્ચા કરી હતી. આ ચર્ચાના ગણતરીના કલાકો બાદ ટોસ વખતે રિયાનને બદલે યશસ્વી મેદાન પર આવતા ચાહકો અને નિષ્ણાતો ચોંકી ઉઠ્યા હતા.
નબળું સુકાનીપદ અને જૂના સંબંધોનો અંત
રિયાન પરાગ પર આરોપ હતો કે તે રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી સ્પિનરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ઉપરાંત, બેટ્સમેન તરીકે ૧૦ મેચોમાં તેનો સ્કોર (૧૪, ૮, ૨૦, ૩, ૪, ૧૨, ૨૦, ૭, ૨૯) તેના પદ સાથે ન્યાય કરી શક્યો નહોતો. એવી પણ ચર્ચા છે કે રિયાનને જૂના માલિક મનોજ બેદાલે સાથેના અંગત સંબંધોને કારણે અત્યાર સુધી ટીમમાં સ્થાન મળતું હતું, પરંતુ નવા માલિકોએ પ્રોફેશનલ એપ્રોચ અપનાવીને પર્ફોર્મન્સને પ્રાધાન્ય આપ્યું છે.
પ્લે-ઓફ માટે હવે આકરી લડાઈ
સીઝનની શરૂઆતમાં સતત જીત મેળવ્યા બાદ રાજસ્થાનની ટીમ હવે મુશ્કેલીમાં મુકાઈ છે. હવે જયસ્વાલના નેતૃત્વમાં ટીમ કેવી રીતે વાપસી કરે છે અને પ્લે-ઓફમાં પોતાની જગ્યા નિશ્ચિત કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે રાજસ્થાન રોયલ્સમાં હવે સત્તાનું કેન્દ્ર બદલાઈ ગયું છે અને આવનારા દિવસોમાં હજુ પણ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે.

(10:55 PM IST)