તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સ્ટાર રેસલર વિનેશ ફોગાટ અને WFI વચ્ચેનો જંગ હવે દિલ્હી હાઇકોર્ટના દ્વારે: બે શો-કોઝ નોટિસ અને શિસ્તભંગની કાર્યવાહી સામે કાનૂની પડકાર, ફેડરેશન પાસે કોર્ટે માંગ્યો ચોખવટભર્યો જવાબ
માતૃત્વ અને બાળજન્મ પછી સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી કરી રહેલી મહિલા ખેલાડીઓ માટે વાજબી અને પારદર્શક નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને IOA ને પણ કોર્ટની નોટિસ; ૨૯ સપ્ટેમ્બરે થશે આગામી સુનાવણી

નવી દિલ્હી, તા.૦૧: ભારતની સ્ટાર ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) વચ્ચેનો વિવાદ હવે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટના આંગણે પહોંચ્યો છે. વિનેશ ફોગાટ દ્વારા ફેડરેશન દ્વારા જારી કરવામાં આવેલી બે 'કારણદર્શક નોટિસ' (Show-Cause Notices) અને તેની સામે હાથ ધરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહીને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે WFI પાસે સત્તાવાર જવાબ માંગ્યો છે.
જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ આ તબક્કે ફેડરેશનને કોઈ ઔપચારિક નોટિસ જારી કરી રહી નથી, પરંતુ WFI ના વકીલને આ અંગે જરૂરી સૂચનાઓ મેળવીને કોર્ટ સમક્ષ વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. આ મહત્વપૂર્ણ કાનૂની વિવાદની આગામી સુનાવણી ૨૯ સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.
વિનેશ ફોગાટે પોતાની અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે WFI દ્વારા ૯ મે અને ૧૭ જૂનના રોજ અપાયેલી આ શો-કોઝ નોટિસ ફેડરેશનની મનસ્વી, પૂર્વગ્રહયુક્ત અને ભેદભાવપૂર્ણ મનોવૃત્તિનો ભાગ છે. તેણીનો દાવો છે કે માતૃત્વ અને બાળજન્મ બાદ સ્પર્ધાત્મક કુસ્તીની રિંગમાં તેણીની પુનઃવાપસીને અટકાવવા માટે જ આ પ્રકારના કાનૂની અને વહીવટી અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (ITA) એ ૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ પત્ર દ્વારા પુષ્ટિ આપી હતી કે ફોગાટ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી તમામ સ્પર્ધાઓ માટે પાત્ર છે. છતાં WFI એ એવું સિલેક્શન ફ્રેમવર્ક બનાવ્યું જેણે તેને પસંદગી પ્રક્રિયાથી બહાર કરી દીધી.
પહેલી શો-કોઝ નોટિસ અને ગેરકાયદેસરતાના આરોપો અરજીમાં ફોગાટે દલીલ કરી છે કે પ્રથમ નોટિસ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી, કારણ કે તે UWW એન્ટી-ડોપિંગ રૂલ્સ ૨૦૧૫ અને અસ્તિત્વમાં જ ન હોય તેવા "રૂલ ૫૬" પર આધારિત છે. માર્ચ ૨૦૨૪ ની ટ્રાયલ્સ દરમિયાન બે વજન વર્ગોમાં ભાગ લેવા બદલ પણ તેની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જ્યારે તેને WFI ની એડ-હોક કમિટી દ્વારા જ મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પણ WFI ની કાર્યવાહી સામે પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર અવલોકનો કર્યા હતા, જેના કારણે તેને એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ઉતરવાની તક મળી હતી.
અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં કાનૂની કાર્યવાહી પેન્ડિંગ હતી ત્યારે WFI એ ગોંડા (ઉત્તર પ્રદેશ) ની ટુર્નામેન્ટને વધારાની ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે માન્યતા આપી પસંદગીના માપદંડો બદલી નાખ્યા હતા. જ્યારે વિનેશે ૩૦ મેના રોજ પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લીધો અને ત્યાં ડ્રો સહિતની પ્રક્રિયા પર વાંધો ઉઠાવ્યો, ત્યારે તેના વિરોધને ડામવા માટે ૧૭ જૂને બીજી કારણદર્શક નોટિસ ફટકારી દેવામાં આવી.
શિસ્ત સમિતિના બંધારણ સામે સવાલો ફોગાટે WFI ની ડિસિપ્લિનરી કમિટીના અસ્તિત્વ અને બંધારણ પર સખત વાંધો ઉઠાવ્યો છે. તેણીનો દાવો છે કે વારંવાર માગણી છતાં કમિટીની માહિતી આપવામાં આવી ન હતી અને છેવટે ૩૦ જુલાઈના રોજ વેબસાઈટ પર અપલોડ કરાયેલી યાદીમાં તારીખ, સહી કે લેટરહેડ જેવી કોઈ સત્તાવાર માન્યતા નહોતી.
માતૃત્વ અને રમતગમતમાં વાપસી માટે નવી નીતિની માંગ આ મુખ્ય વિવાદ ઉપરાંત, હાઇકોર્ટે વિનેશ ફોગાટની અન્ય એક અત્યંત મહત્વપૂર્ણ અરજી પર પણ સુનાવણી કરી હતી. આ અરજીમાં માતૃત્વ, ગર્ભાવસ્થા અને બાળજન્મ પછી રમતગમતમાં પુનરાગમન કરતી મહિલા એથ્લેટ્સ માટે એક ન્યાયી, પારદર્શક અને સુગ્રથિત નીતિ/માળખું ઘડવા માટે WFI ને આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. ફોગાટે ભારપૂર્વક જણાવ્યું કે ગર્ભાવસ્થાના કારણે રમતમાં ગેરહાજર રહેનાર મહિલા ખેલાડીઓને દંડિત કરવાને બદલે તેમને વાજબી તકો અને સુવિધાઓ મળવી જોઈએ. આ સંવેદનશીલ મુદ્દે જસ્ટિસ શર્માએ WFI, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને નોટિસ પાઠવી છે, જેની સુનાવણી નવેમ્બર મહિનામાં હાથ ધરાશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
