<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ભારતીય ક્રિકેટમાં 'નંબર ૩' માટે ધમાસાણ: અશ્વિને સાઈ સુદર્શનને બદલે દેવદત્ત પડિકલ પર ખેલ્યો દાવ, કહ્યું– 'ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં તેને જ તક મળવી જોઈએ!'

શ્રીલંકા સામે બે સદી ફટકારી ધમાકો કરનાર પડિકલને અશ્વિને ગણાવ્યો વધુ કુશળ બેટ્સમેન; સાઈ સુદર્શન ફિટ થશે તો પણ પડિકલ પ્લેઇંગ-૧૧માં રમવો જોઈએ

નવી દિલ્હી, તા.૦૧: ભારત અને શ્રીલંકા વચ્ચે પૂરી થયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ હવે ટીમ ઈન્ડિયાના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈને ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં મહત્વના 'નંબર ૩' બેટિંગ ક્રમ માટે કોની પસંદગી કરવી તેને લઈને પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે ભારતના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને સાઈ સુદર્શન કરતાં દેવદત્ત પડિકલનું સમર્થન કરીને એક નવો વિવાદ છેડ્યો છે. 

અશ્વિને પોતાના લોકપ્રિય યુટ્યુબ શો 'ઐશ કી બાત' પર વરિષ્ઠ રમત પત્રકાર સાથે વાતચીત કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ત્રીજા નંબર પર દેવદત્ત પડિકલે જ રમવું જોઈએ. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રનનો ડુંગર ખડકીને પોતાની તકની રાહ જોઈ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો દેવદત્ત પડિકલ સાઈ સુદર્શન કરતાં વધુ કુશળ અને શ્રેષ્ઠ બેટ્સમેન છે." અશ્વિને વધુમાં ઉમેર્યું કે જો સાઈ સુદર્શન સંપૂર્ણપણે ફિટ થઈને પાછો ફરે, તો પણ પ્લેઇંગ-૧૧માં સ્થાન તો પડિકલનું જ બનવું જોઈએ. 

શ્રીલંકા સામે પડિકલનું બેટ વાગ્યું: ૧૦૯ની સરેરાશથી બનાવ્યા રન

સાઈ સુદર્શન અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં દેવદત્ત પડિકલને દોઢ વર્ષના લાંબા વિરામ બાદ ફરી ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી હતી. આ તકનો પૂરતો લાભ ઉઠાવતા પડિકલે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની ૩ ઇનિંગ્સમાં ૧૦૯.૩૩ની અદ્ભુત સરેરાશથી ૩૨૮ રન બનાવી નાખ્યા, જેમાં બે શાનદાર સદીનો સમાવેશ થાય છે. 

બંને ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી પર એક નજર

જો આ બંને યુવા ખેલાડીઓના આંકડા સરખાવીએ તો દેવદત્ત પડિકલનું પલડું ભારે દેખાય છે: 


•    સાઈ સુદર્શન: અત્યાર સુધી ૭ ટેસ્ટ મેચની ૧૨ ઇનિંગ્સમાં ૩૧.૯૨ ની સરેરાશથી ૩૮૩ રન (કોઈ સદી નહીં). 

•    દેવદત્ત પડિકલ: ૪ ટેસ્ટ મેચની ૬ ઇનિંગ્સમાં ૬૯.૬૭ ની જબરદસ્ત સરેરાશથી ૪૧૮ રન (૨ સદી). 

હવે એ જોવું રસપ્રદ રહેશે કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં અશ્વિનની આ સલાહ માને છે કે સાઈ સુદર્શનના ફિટ થયા બાદ ફરી તેને જ તક આપે છે.

(3:58 PM IST)