તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 29th August 2026
ડેવાલ્ડ બ્રેવિસનું તોફાન: ઝિમ્બાબ્વેના બોલરોને બરાબરના ધોયા, માત્ર ૩૨ બોલમાં અણનમ ૭૫ રન ફટકારી દક્ષિણ આફ્રિકાને અપાવી ધમાકેદાર જીત!
નામિબિયા સામેની હાર બાદ પ્રોટીઝ ટીમનું કમબેક; ૧૪૫ રનનો લક્ષ્યાંક માત્ર ૧૩.૪ ઓવરમાં ૭ વિકેટે હાંસલ કરી ત્રિકોણીય શ્રેણીમાં આક્રમક વાપસી

વિન્ડહોક : નામિબિયા સામેની પહેલી જ મેચમાં મળેલા આંચકાજનક પરાજય બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે ત્રિકોણીય શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. વિન્ડહોકના નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને ૭ વિકેટે ધૂળ ચાટતી કરી દીધી હતી. દક્ષિણ આફ્રિકાની આ જીતનો મુખ્ય હીરો વિસ્ફોટક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ રહ્યો હતો, જેણે માત્ર ૩૨ બોલમાં ૬ છગ્ગા અને ૭ ચોગ્ગાની મદદથી અણનમ ૭૫ રનની આક્રમક ઇનિંગ રમી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે સારી શરૂઆત કરી હતી અને એક તબક્કે ૮ ઓવરમાં ૧ વિકેટે ૬૮ રન બનાવી લીધા હતા. બેન કુરેને ૧૨ બોલમાં ૨૪ રન અને બ્રાયન બેનેટે ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. જોકે, પાવરપ્લે બાદ દક્ષિણ આફ્રિકાના બોલરોએ મજબૂત વાપસી કરી હતી. પ્રેનેલન સુબ્રાયન (૨/૨૭) અને બજોર્ન ફોર્ટુઇને ચુસ્ત બોલિંગ કરી ઝિમ્બાબ્વેના રન રેટ પર બ્રેક લગાવી દીધી હતી. અંતમાં તાદિવાનાશે મારુમાનીએ ૧૩ બોલમાં ૩૦ રનની તોફાની બેટિંગ કરી ઝિમ્બાબ્વેને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૪ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી ડુઆન જેન્સેને ૩ વિકેટ ઝડપી હતી.
૧૪૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. જોર્ડન હર્મન (૨૦) અને લુઆન-ડ્રે પ્રિટોરિયસે (૨૨) પાવરપ્લેમાં ટીમનો સ્કોર ૬૧ રન સુધી પહોંચાડી દીધો હતો. ત્યારબાદ ક્રીઝ પર આવેલા ડેવાલ્ડ બ્રેવિસે ઝિમ્બાબ્વેના બોલરો પર આકરો હુમલો બોલાવ્યો હતો. તેણે માત્ર ૨૩ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને ખાસ કરીને ગ્રીમ ક્રેમરની બોલિંગમાં ચાર દર્શનીય છગ્ગા ફટકારીને મેચ સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી હતી.
દક્ષિણ આફ્રિકાએ માત્ર ૧૩.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૪૬ રન બનાવી લીધા હતા અને મેચ પોતાના નામે કરી લીધી હતી. બ્રેવિસની આ તોફાની રમતના કારણે પ્રોટીઝ ટીમે ત્રિકોણીય શ્રેણીમાં પૂરા ઉત્સાહ સાથે વાપસી કરી છે.
સંક્ષિપ્ત સ્કોર:
-
ઝિમ્બાબ્વે: ૨૦ ઓવરમાં ૧૪૪/૮ (બ્રાયન બેનેટ ૩૪, તાદિવાનાશે મારુમાની ૩૦; ડુઆન જેન્સેન ૩-૪૫, પ્રેનેલન સુબ્રાયન ૨-૨૭)
-
દક્ષિણ આફ્રિકા: ૧૩.૪ ઓવરમાં ૧૪૬/૩ (ડેવાલ્ડ બ્રેવિસ ૭૫*, લુઆન-ડ્રે પ્રિટોરિયસ ૨૨; બ્રેડ ઇવાન્સ ૧-૧૯)
-
પરિણામ: દક્ષિણ આફ્રિકા ૭ વિકેટે વિજેતા.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
