<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ભારતને મોટો ઝટકો: પગની ઘૂંટીની ઈજાના કારણે નીરજ ચોપરા બાકીની સિઝનમાંથી બહાર

લિગામેન્ટ ફાટતા ડાયમંડ લીગ ફાઈનલ અને એશિયન ગેમ્સ ગુમાવશે : નીરજે કહ્યું "મજબૂત વાપસી પર રહેશે સંપૂર્ણ ધ્યાન"

નવી દિલ્હી: ભારતના સ્ટાર ભાલા ફેંકનાર ખેલાડી નીરજ ચોપરા પગની ઘૂંટીની ઈજાને કારણે બાકીની સીઝન માટે બહાર થઈ ગયો છે. નીરજએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી શેર કરી. નીરજએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "ઘણી મહેનત પછી, મને લાગ્યું કે હું મારી લય શોધવા લાગ્યો છું. લુઝેનમાં, મેં સીઝનનો મારો શ્રેષ્ઠ થ્રો પણ ફેંક્યો. જોકે, કમનસીબે, તેના થોડા સમય પછી, તાલીમ દરમિયાન મારા પગની ઘૂંટીમાં અસ્થિબંધન ફાટી ગયું. મારા ડૉક્ટર અને ટીમ સાથે વાત કર્યા પછી, અમે બાકીની સીઝન માટે બહાર બેસવાનો નિર્ણય લીધો છે." નીરજ આગળ લખ્યું, "આ ખૂબ જ નિરાશાજનક છે, કારણ કે હું મારી લય સંપૂર્ણપણે પાછી મેળવવાની ખૂબ નજીક હતો. જોકે, જેમ તેઓ કહે છે, 'અવરોધો અને અડચણો સફળતાની અમારી સફરનો એક કુદરતી ભાગ છે.' મારું સંપૂર્ણ ધ્યાન સારી રિકવરી અને મજબૂત રીતે પાછા ફરવા પર છે. તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર."નીરજ ચોપરાની આખી સીઝનમાંથી ગેરહાજરીનો અર્થ એ છે કે તે એશિયન ગેમ્સ પણ ચૂકી જશે.નીરજ તાજેતરમાં ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય થયો હતો. આ સિઝનમાં ફક્ત બે વાર મેદાનમાં ઉતરવા છતાં, તે ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યો. ડાયમંડ લીગની ફાઇનલ 4 અને 5 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. નીરજે અગાઉ લૌઝેન ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બીજા સ્થાને રહ્યો હતો. તેણે આ સિઝનનો તેનો શ્રેષ્ઠ થ્રો (88.05 મીટર) કર્યો હતો. જોકે, તેને શ્રીલંકાના રુમેશ થરંગા તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, જેણે 88.14 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતવામાં સફળતા મેળવી. નીરજે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 85.83 મીટરનો થ્રો કર્યો હતો. તે જ સમયે, તે દોહા ડાયમંડ લીગમાં 85.69 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને રહ્યો હતો.

(5:52 PM IST)