તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
હોકીની સ્ટિકમાં જાણે જાદુ વસતું હતું : મેજર ધ્યાનચંદે ગુલામ ભારતને વિશ્વમંચ પર અપાવ્યું ગૌરવ : ત્રણ ઓલિમ્પિક સુવર્ણનો અદ્વિતીય તાજ
૨૯ ઓગસ્ટ એટલે માત્ર રાષ્ટ્રીય ખેલ દિવસ નહીં, ભારતીય રમતગમતના સુવર્ણયુગના મહાન શિલ્પી ‘હોકીના જાદુગર'ને યાદ કરવાનો દિવસ : મેદાનમાં બોલ તેમની સ્ટિકને છોડતો જ નહોતો : ન્યૂઝીલેન્ડથી એમ્સ્ટરડેમ, લોસ એન્જેલસ અને બર્લિન સુધી દુનિયાએ જોયો ભારતીય હોકીનો દબદબો

નવી દિલ્હી, તા. ૨૯ : ભારત આજે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરી રહ્યું છે અને તેની પાછળ એક એવું નામ છે, જેને ભારતીય રમતગમતના ઇતિહાસમાંથી અલગ કરી શકાય તેમ નથીラમેજર ધ્યાનચંદ. ૨૯ ઓગસ્ટ, ૧૯૦૫ના રોજ જન્મેલા આ મહાન ખેલાડીએ માત્ર હોકીમાં ગોલ કર્યા નહોતા; તેમણે એવો સમય જોયો જ્યારે ભારત રાજકીય રીતે ગુલામ હતું, છતાં વિશ્વના મેદાનોમાં ભારતીય ખેલાડી સામે મોટી શક્તિઓ ઝૂકતી હતી.
ભારત દર વર્ષે ૨૯ ઓગસ્ટે મેજર ધ્યાનચંદની જન્મજયંતીને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવે છે. સરકારના સત્તાવાર દસ્તાવેજોમાં તેમને ‘હોકીના જાદુગર' તરીકે યાદ કરવામાં આવ્યા છે. તેમના આશરે બે દાયકાથી વધુના રમતજીવન દરમિયાન તેઓ ગોલ કરવાની ક્ષમતા, બોલ ઉપર અદ્દભુત નિયંત્રણ અને ટીમ રમત માટે વિશ્વવિખ્યાત બન્યા. સત્તાવાર વિગતો પ્રમાણે ૧૯૨૬થી ૧૯૪૮ વચ્ચે વિવિધ સ્પર્ધાત્મક અને પ્રવાસી મેચોમાં તેમણે એક હજારથી વધુ ગોલ કર્યા હોવાનું નોંધાય છે.
ધ્યાનચંદનો જન્મ તત્કાલીન અલ્હાબાદラઆજના પ્રયાગરાજમાં થયો હતો. પરિવારનો સંબંધ સૈન્ય સાથે હોવાથી બાળપણનો મોટો સમય ઝાંસીમાં પસાર થયો. તેઓ શરૂઆતથી કોઈ વ્યવસ્થિત હોકી અકાદમીમાંથી ઘડાયેલા ખેલાડી નહોતા. ૧૯૨૨માં સેનામાં જોડાયા પછી તેમની હોકી પ્રતિભાને સાચી દિશા મળી. સેનામાં તેમની રમત પર અધિકારીઓનું ધ્યાન ગયું અને ત્યાંથી એક એવા ખેલાડીનો ઉદય થયો જેણે આગળ જઈને ભારતીય હોકીનું નામ વિશ્વભરમાં ગુંજાવ્યું.
૧૯૨૬નું વર્ષ તેમની આંતરરાષ્ટ્રીય ઓળખ માટે નિર્ણાયક બન્યું. ભારતીય સેનાની હોકી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ અને તેમાં ધ્યાનચંદ સામેલ હતા. આ પ્રવાસને ત્યાં પહોંચનાર પ્રથમ ભારતીય હોકી ટીમના મહત્વપૂર્ણ પ્રવાસોમાં ગણવામાં આવે છે. ધ્યાનચંદના ડ્રિબ્લિંગ અને ગોલ કરવાની શક્તિએ દર્શકોને ભારે પ્રભાવિત કર્યા.
૨૦૨૬માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમત સંબંધોના સો વર્ષના પ્રસંગે પણ આ પ્રવાસ અને ધ્યાનચંદને ખાસ યાદ કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલો ઇન્ડિયા સંવાદ દરમિયાન ધ્યાનચંદની આ ઐતિહાસિક યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સો વર્ષ પહેલાં ભારતીય સેનાની હોકી ટીમ ન્યૂઝીલેન્ડ ગઈ હતી અને ધ્યાનચંદ તેનો ભાગ હતા.
ધ્યાનચંદનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ વિજય ૧૯૨૮ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં આવ્યો. ભારતીય હોકી ટીમે વિશ્વને બતાવી દીધું કે હવે આ રમત ઉપર ભારતનો દબદબો શરૂ થયો છે. ભારત પ્રથમ વખત ઓલિમ્પિક હોકીમાં સુવર્ણ પદક જીત્યું અને ધ્યાનચંદ ભારતીય આક્રમણના સૌથી પ્રભાવશાળી ખેલાડી તરીકે ઉભર્યા.
ચાર વર્ષ પછી ૧૯૩૨ના લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં ભારતની તાકાતનો વિશ્વને વધુ ભવ્ય પરિચય થયો. અમેરિકાને ભારતે ઐતિહાસિક મેચમાં ૨૪-૧થી હરાવ્યું. આ એક મેચમાં ધ્યાનચંદે ૮ ગોલ અને તેમના ભાઈ રૂપસિંહે ૧૦ ગોલ ફટકાર્યા હતા. ભારતીય ટીમે સમગ્ર સ્પર્ધામાં અદભુત પ્રભુત્વ જાળવી ફરી સુવર્ણ પદક મેળવ્યું.
પછી આવ્યું ૧૯૩૬નું બર્લિન ઓલિમ્પિકラધ્યાનચંદના જીવનની સૌથી વધુ ચર્ચાતી સ્પર્ધા. આ વખતે તેઓ ભારતીય ટીમના કપ્તાન હતા. ફાઇનલમાં યજમાન જર્મની સામે ભારતે ૮-૧થી જબરદસ્ત જીત મેળવી અને સતત ત્રીજું ઓલિમ્પિક સુવર્ણ મેળવ્યું. વિશ્વના હોકી ઇતિહાસમાં ધ્યાનચંદની ઓળખ આ મેચ પછી વધુ દંતકથાસમાન બની. તેઓ ૧૯૩૬ની ઓલિમ્પિક ઉદ્ધાટનવિધિમાં ભારતીય દળના ધ્વજવાહક પણ હતા.
ધ્યાનચંદ અને જર્મન શાસક એડોલ્ફ હિટલર સાથે જોડાયેલી અનેક લોકપ્રિય વાર્તાઓ વર્ષોથી ફરતી રહી છે, જેમ કે તેમને જર્મની તરફથી રમવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ આવી વાર્તાઓના તમામ ભાગો માટે એકસરખા વિશ્વસનીય અને પ્રાથમિક ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. તેથી આવી બાબતોને દંતકથા તરીકે જ જોવી યોગ્ય છે.
તેમની સ્ટિકમાં ચુંબક હોવાની શંકા કરવામાં આવી, સ્ટિક તપાસવામાં આવી કે તોડી જોવામાં આવી એવી અનેક વાર્તાઓ પણ લોકકથાઓ બની ગઈ છે. આ કિસ્સાઓની વિગતો જુદા જુદા વર્ણનોમાં અલગ મળે છે. પરંતુ એ નિર્વિવાદ છે કે તેમનું બોલ નિયંત્રણ એટલું અસાધારણ હતું કે વિશ્વભરના દર્શકોમાં તેમની રમત અંગે ‘જાદુ' જેવી છાપ ઊભી થઈ અને તેથી જ ‘હોકીના જાદુગર'નું બિરુદ તેમની સાથે કાયમી જોડાઈ ગયું.
ધ્યાનચંદ માત્ર ગોલ કરનાર ખેલાડી નહોતા. તેમની રમતનું મોટું લક્ષણ હતું યોગ્ય સમયે પાસ આપવો, વિરોધી રક્ષણને પોતાની તરફ ખેંચીને સાથી ખેલાડીને જગ્યા આપવી અને ગોલ કરવાની પરિસ્થિતિ સર્જવી. એટલે જ રૂપસિંહ સહિતના તેમના સાથી ખેલાડીઓ પણ ભરપૂર ગોલ કરી શકતા. વ્યક્તિગત ચમક કરતાં ટીમને જીતાડવી તેમના રમતના સ્વભાવનું કેન્દ્ર હતું.
ભારતીય સેવામાં લાંબી સેવા આપ્યા બાદ તેઓ ‘મેજર'ના હોદ્દા સુધી પહોંચ્યા. ૧૯૫૬માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા. આ સન્માન તેમને ભારતીય રમતગમતના ક્ષેત્રમાં આપેલા અસાધારણ યોગદાન માટે મળ્યું હતું.
તેમની રમતવારસો ઘરમાં પણ આગળ વધ્યો. તેમના નાના ભાઈ રૂપસિંહ ૧૯૩૨ અને ૧૯૩૬ની સુવર્ણ વિજેતા ભારતીય ઓલિમ્પિક ટીમનો ભાગ હતા. તેમના પુત્ર અશોકકુમાર પણ ભારત માટે હોકી રમ્યા અને ૧૯૭૨ના ઓલિમ્પિકમાં કાંસ્ય પદક મેળવનાર ભારતીય ટીમના સભ્ય રહ્યા.
મેજર ધ્યાનચંદનું અવસાન ૩ ડિસેમ્બર, ૧૯૭૯ના રોજ થયું. પરંતુ તેમના અવસાન પછી તેમની લોકપ્રિયતા ઘટવાને બદલે વધતી ગઈ. ૨૯ ઓગસ્ટને તેમના સન્માનમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ હવે ભારતના ખેલાડીઓ, યુવાનો, શાળાઓ, રમત સંસ્થાઓ તથા દેશના સમગ્ર રમતગમત જગત માટે પ્રેરણાદિવસ બની ગયો છે.
રાષ્ટ્રીય ખેલ દિવસ માત્ર ધ્યાનચંદને યાદ કરવાનો પ્રસંગ નથી; તે ભારતને રમતગમતને રોજિંદા જીવનનો ભાગ બનાવવાનો સંદેશ પણ આપે છે. ૨૦૨૬ની ઉજવણી દેશભરમાં રમતગમત, ફિટનેસ, યુવા ભાગીદારી અને ખેલ સંસ્કળતિને પ્રોત્સાહન આપવાના વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા તથા વિવિધ રમત પ્રવળત્તિઓ યોજવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. દેશના અલગ અલગ ભાગોમાં શાળાઓ, મહાવિદ્યાલયો, રમત સંસ્થાઓ અને સરકારી વિભાગો દ્વારા પણ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થઈ રહી છે.
આ વર્ષના રાષ્ટ્રીય ખેલ દિવસ પૂર્વે દેશભરમાં ખેલો ઇન્ડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં યુવા ભાગીદારી, રમતગમત માળખું, પ્રતિભા શોધ, રાષ્ટ્રનિર્માણ અને ૨૦૩૬ના ઓલિમ્પિક માટે ભારતની તૈયારીઓ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા.
ભારતીય હોકી જ્યારે તેના ઇતિહાસના સુવર્ણ પાનાંઓ ખોલે છે ત્યારે ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ ત્રણ વર્ષ માત્ર પદકની તારીખો નથી રહેતાં. આ ત્રણ વિજય વચ્ચે એક સામાન્ય નામ છેラધ્યાનચંદ. એક સૈનિક, એક ખેલાડી, એક કપ્તાન અને અંતે ભારતના રમતગમતના શાશ્વત પ્રતીક.
તેઓ જે યુગમાં રમ્યા ત્યારે આજ જેવી કળત્રિમ ટર્ફ નહોતી, વૈજ્ઞાનિક તાલીમની આધુનિક વ્યવસ્થા નહોતી, રમતવિજ્ઞાનનો આજ જેવો સહારો નહોતો અને ખેલાડીઓને આજ જેવી વ્યાવસાયિક સુવિધાઓ પણ નહોતી. તેમ છતાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે ભારતીય હોકીનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં તેમની ભૂમિકા અસાધારણ રહી.
ધ્યાનચંદની સૌથી મોટી વિરાસત કદાચ તેમના ગોલની સંખ્યા પણ નથી. તેમની સૌથી મોટી વિરાસત એ છે કે તેમણે ભારતની અનેક પેઢીઓને વિશ્વાસ આપ્યો કે ભારતીય ખેલાડી વિશ્વમાં સર્વશ્રેષ્ઠબની શકે છે.
ધ્યાનચંદ નામ આજે પણ ભારતીય રમતનું પર્યાયઃ ખેલાડી ગયો, પરંતુ તેની સ્ટિકમાંથી જન્મેલો આત્મવિશ્વાસ આજે પણ દેશની નવી પેઢીને વિશ્વ જીતવાનું શીખવે છે.
તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૮પ મેચ રમીને પ૧૭ ગોલ કર્યા હતા. દિલ્હીના નેશનલ સ્ટેડીયમમાં તેમના માનમાં ૯ ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
મેજર ધ્યાનચંદラજીવનના મહત્ત્વના પડાવ
જન્મ : ૨૯ ઓગસ્ટ, ૧૯૦૫
જન્મસ્થળ : અલ્હાબાદ, આજનું પ્રયાગરાજ
બાળપણ અને હોકીની મુખ્ય કર્મભૂમિ : ઝાંસી
સેનામાં પ્રવેશ : ૧૯૨૨
પ્રથમ મહત્વનો વિદેશ પ્રવાસ : ૧૯૨૬, ન્યૂઝીલેન્ડ
ઓલિમ્પિક સુવર્ણ : ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬
૧૯૩૬ ઓલિમ્પિક : ભારતીય હોકી ટીમના કપ્તાન
સન્માન : પદ્મભૂષણ, ૧૯૫૬
અવસાન : ૩ ડિસેમ્બર, ૧૯૭૯
રાષ્ટ્રીય સન્માન : તેમની જન્મજયંતી ૨૯ ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ
વિશેષ ઓળખ : ‘હોકીના જાદુગર' અસાધારણ બોલ નિયંત્રણ અને ગોલ કરવાની અદ્દભુત કળા
ત્રણ ઓલિમ્પિક... ત્રણ સુવર્ણ... ભારતીય હોકીનો સુવર્ણ ત્રિવેણી સંગમ
૧૯૨૮ - એમ્સ્ટરડેમ
ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક હોકીનું સુવર્ણ જીત્યું. ધ્યાનચંદ ટીમના મુખ્ય આક્રમક ખેલાડી તરીકે વિશ્વની નજરે ચઢયા.
૧૯૩૨ - લોસ એન્જેલસ
ભારતે સુવર્ણ જાળવી રાખ્યું. અમેરિકાને ૨૪-૧થી હરાવેલી ઐતિહાસિક મેચમાં ધ્યાનચંદના ૮ અને રૂપસિંહના ૧૦ ગોલ હતા.
૧૯૩૬ - બર્લિન
ધ્યાનચંદના નેતૃત્વમાં ભારતે ફાઇનલમાં જર્મનીને ૮-૧થી હરાવી સતત ત્રીજું સુવર્ણ જીત્યું. ધ્યાનચંદ ભારતીય દળના ધ્વજવાહક પણ હતા.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
