તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
લોર્ડ્સના મેદાન પર બાબર આઝમની ફજેતી: પેવેલિયનથી બેટિંગ માટેનો લાંબો પ્રવાસ તો લાંબો રહ્યો, પણ ક્રીઝ પર ટક્યા વગર જ પવેલિયન પરત ફરતા સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું!
"ચા ઠંડી પડે તે પહેલાં પાછા આવી ગયા": પાકિસ્તાની કેપ્ટન માત્ર ૮ રન બનાવી આઉટ થતાં નેટીઝન્સે મજાકિયા મીમ્સનો વરસાદ વરસાવ્યો; ચાહકોની કમેન્ટ્સ વાયરલ

લંડન : ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમની બેટિંગ કરતા પણ પેવેલિયનમાંથી મેદાન પર આવવાની લાંબી સફર વધુ ચર્ચાનો વિષય બની ગઈ છે. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે બાબર આઝમ જ્યારે લોર્ડ્સના પ્રખ્યાત લાંબા સ્ટેપ ઉતરીને બેટિંગ કરવા મેદાન પર આવ્યા, ત્યારે આખી દુનિયાની નજર તેમના પર હતી. પરંતુ ક્રીઝ પર પગ મૂક્યા બાદ તેમની આખી ઇનિંગ એટલી ટૂંકી રહી કે ચાહકો હસવાનું રોકી શક્યા નહીં.
આંગળીની ઈજામાંથી સ્વસ્થ થઈને પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરનાર બાબર આઝમ ઇંગ્લિશ બોલરો સામે માત્ર ૧૦ બોલ રમીને માત્ર ૮ રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના સત્તાવાર હેન્ડલ પરથી બાબરના ઉતરવાનો ૩૧ સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં ચાહકો તાળીઓથી તેમનું સ્વાગત કરતા દેખાઈ રહ્યા છે. જોકે, તેમની આ ફ્લોપ બેટિંગે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ અને ક્રિકેટ રસિકોને મજાક ઉડાવવાની ભરપૂર તક આપી દીધી હતી.
સોશિયલ મીડિયા પર ચાહકોએ ભારે મનોરંજન સાથે પ્રતિક્રિયાઓ આપી હતી. એક યૂઝરે કટાક્ષ કર્યો કે, "બાબરને બેટિંગ કરવા માટે ક્રીઝ પર પહોંચવામાં જેટલો સમય લાગ્યો, તેના કરતાં પણ ઓછા સમયમાં તે આઉટ થઈને પાછા ફરી ગયા." અન્ય એક ચાહકે મજાક કરતા લખ્યું, "તેમણે ચા ત્યાં જ છોડી દીધી હશે, સારું થયું કે ચા ઠંડી પડે તે પહેલાં જ તેઓ પાછા આવી ગયા!" અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, "મહેમાનો હજુ પોતાની ખુરશીઓ પર બરાબર બેઠા પણ નહોતા, અને બાબર આઝમ પાછા પેવેલિયનમાં આવી ગયા."
ઉલ્લેખનીય છે કે હેડિંગ્લી ખાતેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને ઇનિંગ્સ અને ૧૦૩ રને કરારી હાર મળી હતી, અને લોર્ડ્સ ટેસ્ટમાં પણ બાબરની આ ખરાબ શરૂઆતથી પાકિસ્તાની ટીમ પર દબાણ વધુ ઘેરૂ બન્યું છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
