<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

જાપાનમાં નબળી સુવિધાઓથી BCCI નારાજ: એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારત સર્વશ્રેષ્ઠને બદલે 'બી' ક્રિકેટ ટીમ મોકલવાની તૈયારીમાં

ખેલાડીઓ માટે ટેન્ટવાળા ડ્રેસિંગ રૂમ, ૫૦૦ મીટર દૂર વૉશરૂમ અને નાની હોટેલ રૂમની વ્યવસ્થા સામે સવાલો; પરિસ્થિતિ સુધરશે નહીં તો બોર્ડ મોટો નિર્ણય લેશે.

નવી દિલ્હી : આગામી મહિને જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનારી બહુપ્રતિક્ષિત એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલાં મોટો વિવાદ ઊભો થયો છે. આ રમતોત્સવ દરમિયાન ખેલાડીઓને મળનારી રહેવા અને સ્ટેડિયમની સુવિધાઓથી બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અત્યંત અસંતુષ્ટ છે. જાપાનમાં નબળી વ્યવસ્થા અને અપૂરતી તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભારત પોતાની મુખ્ય સર્વશ્રેષ્ઠ ટીમને બદલે 'બી' (B) ટીમને જાપાન મોકલવા વિશે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.

 

મળતી માહિતી મુજબ, જાપાનના આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સનો પ્રારંભ ૧૯ સપ્ટેમ્બરથી થવાનો છે, જ્યારે મેન્સ અને વિમેન્સ ટી-૨૦ ટૂર્નામેન્ટ ૧૭મી સપ્ટેમ્બરથી ૩જી ઓક્ટોબર દરમિયાન યોજાશે. જેમાં મહિલાઓની મેચો ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર અને પુરુષોની મેચો ૨૪ સપ્ટેમ્બરથી ૩જી ઓક્ટોબર સુધી રમાનાર છે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ખાસ નિરીક્ષકને જાપાન મોકલવામાં આવશે. જો ત્યાંની સુવિધાઓ સંતોષજનક નહીં જણાય, તો ભારત પોતાની 'બી' ટીમ મોકલવાનો નિર્ણય આખરી કરશે.

 

૫૦૦ મીટર દૂર વૉશરૂમ અને ટેન્ટના ડ્રેસિંગ રૂમથી ભારે નારાજગી

ક્રિકેટ ટૂર્નામેન્ટની તૈયારીઓ અંગે તાજેતરમાં યોજાયેલી ACCની બેઠકમાં પણ જાપાનના અધિકારીઓ સમક્ષ તીવ્ર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે કોઈ કાયમી ડ્રેસિંગ રૂમ બનાવવાને બદલે ટેન્ટ (તંબૂ) ઊભા કરવામાં આવ્યા છે, અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વૉશરૂમ આ ડ્રેસિંગ રૂમથી લગભગ ૫૦૦ મીટર દૂર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખેલાડીઓ માટે ફાળવવામાં આવેલી હોટેલના રૂમ પણ અત્યંત નાના હોવાની ફરિયાદો સામે આવી છે.

 

અગાઉ જાહેર કરાયેલી ભારતીય મેન્સ ટીમનું સુકાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવ્યું છે, જેમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, ઇશાન કિશન અને ૧૫ વર્ષના ઉભરતા તારા વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. જ્યારે મહિલા ટીમની કપ્તાની હરમનપ્રીત કૌર અને ઉપકપ્તાની સ્મૃતિ મંધાના પાસે છે. જોકે, હવે જાપાનના નબળા આયોજનને કારણે ભારતીય બોર્ડ તેના સ્ટાર ખેલાડીઓને મોકલવાને બદલે બીજા સરસ વિકલ્પો વિચારી રહ્યું છે.

(7:00 PM IST)