તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
પ્રો ગોવિંદા સીઝન 4માં નાગપુર નિન્જાઝે ઇતિહાસ રચ્યો: સતત બીજા વર્ષે ટાઇટલ જીતી બન્યા ચેમ્પિયન, ₹75 લાખનું રોકડ ઇનામ કર્યું નામે
મુંબઈના વર્લી નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે દહીં હાંડીનો રોમાંચક જંગ; સૂર્યકુમાર યાદવ અને એકનાથ શિંદેની હાજરીમાં વિજેતાઓને ટ્રોફી એનાયત, ખેલને ઓલિમ્પિક્સ સુધી લઈ જવાનો સંકલ્પ.

મુંબઈ તા.28: મહારાષ્ટ્રની પરંપરાગત રમત દહીં હાંડીના ભવ્ય અને રોમાંચક પ્લેટફોર્મ 'પ્રો ગોવિંદા લીગ સીઝન 4' નો શાનદાર અંત આવ્યો છે. આ હાઈ-વોલ્ટેજ સ્પર્ધાના ફાઇનલમાં નાગપુર નિન્જાઝ (આર્યન્સ ગોવિંદા પાઠક) એ પોતાની અસાધારણ ક્ષમતા અને અદ્ભુત ટીમવર્કનું પ્રદર્શન કરતાં ઇતિહાસ રચી દીધો છે. નાગપુર નિન્જાઝે સતત બીજા વર્ષે આ ચેમ્પિયનશિપ ટ્રોફી પર પોતાનો કબજો જાળવી રાખીને પ્રો ગોવિંદા સીઝન 4 ના વિજેતા બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે.
વિજેતા ટીમ નાગપુર નિન્જાઝને રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ સચિન આહિર, પ્રો ગોવિંદાના બ્રાન્ડ એમ્બેસેડર તથા ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, લીગના પ્રમુખ પૂર્વેશ સરનાઈક અને ડિરેક્ટર કાશ્મીરા સરનાઈકના હસ્તે ₹75 લાખનું ભવ્ય રોકડ ઇનામ અને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં નાસિક રેન્જર્સ (જય જવાન ગોવિંદા પાઠક) બીજા સ્થાને રહીને ₹50 લાખનું ઇનામ જીત્યું હતું, જ્યારે અલીબાગ નાઈટ્સ (બાલ ઉત્સાહી ગોવિંદા પાઠક) ને ત્રીજું સ્થાન અને ₹25 લાખનું ઈનામ મળ્યું હતું. આ સિવાય ભાગ લેનારી તમામ 16 ટીમોને ₹3 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું.
અંતિમ દિવસના આ ભવ્ય સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ખાસ હાજર રહ્યા હતા. ગોવિંદાઓનો ઉત્સાહ વધારતાં તેમણે જણાવ્યું હતું કે, "દહીં હાંડીની આ સ્વદેશી રમત હવે માટીમાંથી મેટ પર અને ભારતમાંથી સ્પેન સુધી પહોંચી ગઈ છે, જે આપણા બધા માટે ભારે ગર્વની વાત છે. આપણું લક્ષ્ય આ રમતને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ સુધી પહોંચાડવાનું છે." તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર શાળાના શારીરિક શિક્ષણમાં ધોરણ 8 પછી કબડ્ડીની જેમ ગોવિંદા તાલીમ સામેલ કરવા અંગે શિક્ષણ મંત્રી સાથે વિચારણા કરશે.
સ્પર્ધાના બ્રાન્ડ એમ્બેસેડર સૂર્યકુમાર યાદવે ગોવિંદાઓના દૃઢ નિશ્ચય, સમયની સમજ અને સખત મહેનતની સરાહના કરતાં કહ્યું કે, "એક પછી એક માનવ થર (માનવ પિરામિડ) બનાવવા ખૂબ મુશ્કેલ છે, હું આ બધા ગોવિંદાઓના સમર્પણને સલામ કરું છું." પ્રો ગોવિંદા લીગના સ્થાપકોએ પણ આ સીઝનની અભૂતપૂર્વ સફળતા બદલ ખુશી વ્યક્ત કરી દહીં હાંડીને વૈશ્વિક સ્તરે લઈ જવાનો પુનઃસંકલ્પ દોહરાવ્યો હતો.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
