<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

અમે હજુ રેસમાં છીએ, આગામી મેચોમાં વળતો પ્રહાર કરીશું : શુભમન ગિલ

કોલંબા ડ્રોથી ગણિત બગડયું પણ રમત હજુ બાકી, WTCના ફાઇનલ અંગે નિવેદન

 

 

કોલંબો : શ્રીલંકા સામે કોલંબો ખાતે રમાયેલી રોમાંચક ટેસ્‍ટ મેચ અંતે ડ્રોમાં પરિણમતાં જ વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાના સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્‍યો છે. ટેસ્‍ટ મેચ ડ્રો થવાના કારણે ભારતને મહત્‍વના પોઈન્‍ટ્‍સ ગુમાવવાનો વારો આવ્‍યો છે, જેનાથી ક્રિકેટ ફેન્‍સમાં નિરાશા છવાઈ ગઈ છે અને ટીમ ઈન્‍ડિયા WTC ફાઇનલમાં પહોંચશે કે નહીં તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ સ્‍થિતિ વચ્‍ચે ભારતીય કેપ્‍ટન શુભમન ગિલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, ‘‘કોલંબો ટેસ્‍ટ ડ્રો થવી ચોક્કસપણે અમારા માટે નિરાશાજનક છે, કારણ કે અમે જીતની પોઝિશનમાં હતા. પરંતુ આ પરિણામથી અમારી WTC ફાઇનલમાં પહોંચવાની આશાઓ ખતમ થઈ નથી.

અમે હજુ પણ રેસમાં મજબૂતીથી ટકેલા છીએ અને આવનારી શ્રેણીમાં શાનદાર વાપસી કરીશું.''

કોલંબો ટેસ્‍ટ ડ્રો થતાં જ ભારતના ટકાવારી પોઈન્‍ટ્‍સ (PCT)માં ઘટાડો નોંધાયો છે. હવે જો ભારતે WTC ફાઇનલમાં સતત ત્રીજી વખત સ્‍થાન મેળવવું હોય, તો આગામી રમવાની થતી તમામ ટેસ્‍ટ શ્રેણીઓમાં જીત નોંધાવવી અનિવાર્ય બની જશે. જો ભારત પોતાની આગામી મેચોમાં ક્‍લીન સ્‍વીપ કરે અથવા તો મહત્તમ મેચો જીતે, તો જ અન્‍ય ટીમોના પરિણામો પર નિર્ભર રહ્યા વગર સીધા ફાઇનલમાં પ્રવેશ મેળવી શકશે.

કેપ્‍ટન ગિલે વધુમાં ઉમેર્યું હતું કે,‘‘અમે અમારી ભૂલોમાંથી પાઠ શીખીશું. ટેસ્‍ટ ક્રિકેટમાં દરેક સેશન મહત્‍વનું હોય છે અને હવે અમારી પાસે ભૂલ કરવાની કોઈ ગુંજાઈશ નથી. ટીમનો દરેક ખેલાડી આગામી મેચોમાં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરવા માટે કટિબદ્ધ છે.''

હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ કેપ્‍ટન ગિલના નેતળત્‍વમાં આગામી ટેસ્‍ટ શ્રેણીઓમાં કેવો વળતો પ્રહાર કરે છે અને WTC ફાઇનલની ટિકિટ મેળવવામાં સફળ રહે છે કે નહીં.

(3:41 PM IST)