<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

IPL ચાહકો અને ઉડ્ડયનપ્રેમીઓ માટે રોમાંચક ક્ષણ: 'મુંબઈ ઈન્ડિયન્સ'ની થીમ વાળું મલેશિયા એરલાઈન્સનું ખાસ વિમાન પ્રથમ વાર માયાનગરી મુંબઈમાં ઉતર્યું!

કુઆલાલંપુરથી ઉડીને છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઉતરેલા એરબસ A330-300 વિમાને આકાશમાં ક્રિકેટ અને એવિએશનનો અનોખો સંગમ સર્જ્યો; હવે નિયમિતપણે રૂટ પર સેવામાં રહેશે.

મુંબઈ : પાંચ વખતના IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો અને એવિએશન પ્રેમીઓ માટે બુધવારની રાત અનોખી સરપ્રાઈઝ લઈને આવી હતી. મલેશિયા એરલાઈન્સનું ખાસ બ્રાન્ડેડ ‘એરબસ A330-300’ (રજીસ્ટ્રેશન 9M-MTM) વિમાન, જેના પર મુંબઈ ઈન્ડિયન્સની આકર્ષક લિવરી (કલર ડિઝાઇન) છપાયેલી છે, તે કુઆલાલંપુરથી ફ્લાઈટ MH-194 તરીકે પ્રથમ વાર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર સફળતાપૂર્વક ઉતર્યું હતું.

 

આ વિમાનની ડિઝાઇન અત્યંત આકર્ષક છે, જેમાં મલેશિયા એરલાઈન્સના પરંપરાગત ડીપ બ્લુ કલર સાથે મુંબઈ ઈન્ડિયન્સનો ઈલેક્ટ્રિક બ્લુ, ગોલ્ડન ટ્રીમ અને આઈકોનિક ચક્ર મોટિફ મિશ્રિત કરવામાં આવ્યા છે. ફ્યુઝલેજ (વિમાનના આગળના ભાગ) પર મુંબઈ ઈન્ડિયન્સનું લોગો અને ગતિ દર્શાવતી સુંદર ગ્રાફિક્સ લાઈનો દોરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2026માં મલેશિયા એરલાઈન્સ મુંબઈ ઈન્ડિયન્સની ગ્લોબલ એરલાઈન પાર્ટનર બની હતી અને એપ્રિલ 2026માં આ ખાસ કલર ડિઝાઇન ધરાવતા વિમાનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

 

બુધવારે રાત્રે ૧૦:૧૩ વાગ્યે મુંબઈમાં ઉતરાણ કર્યા બાદ, તે જ રાત્રે ૧૧:૫૯ વાગ્યે આ વિમાને MH-195 ફ્લાઈટ તરીકે કુઆલાલંપુર માટે પરત ઉડાન ભરી હતી. ગુરુવારે ફરી આ વિમાન મુંબઈ પરત ફરતાં એરલાઈને સ્પષ્ટ કર્યું છે કે આ ખાસ વિમાન હવે ભારત અને મલેશિયા વચ્ચેના રૂટ પર નિયમિતપણે કાર્યરત રહેશે. મલેશિયા એવિએશન ગ્રુપના સીઈઓ બ્રાયન ફુંગે જણાવ્યું હતું કે, ભારત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બજાર છે અને મુંબઈ ઈન્ડિયન્સ સાથેની આ ભાગીદારી રમતગમત અને પ્રવાસન ક્ષેત્રે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

(7:20 PM IST)