<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

શ્રીલંકન બેટ્સમેન સોનલ દિનુષાના શાનદાર પ્રદર્શનથી ગદગદ થયા રાજીવ શુક્લા: સચિન તેંડુલકર સાથે કરી સરખામણી, સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધા આડે હાથ!

ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં દિનુષાએ સતત બીજી સદી ફટકારી શ્રીલંકાને હારમાંથી ઉગારી મેચ ડ્રો કરાવી; BCCIના ઉપપ્રમુખે સચિન સાથે સરખામણી કરતા ટ્રોલર્સે કહ્યું- 'તેમનો મતલબ અર્જુન તેંડુલકર હશે!'

કોલંબો : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાના ૨૫ વર્ષીય યુવા બેટ્સમેન સોનલ દિનુષાએ પોતાની શાનદાર બેટિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. ફોલોઓન થયા બાદ બીજી ઇનિંગ્સમાં દિનુષાએ ૨૬૪ બોલમાં અણનમ ૧૩૩ રન બનાવીને પોતાની ટીમને પરાજયમાંથી ઉગારી લીધી હતી અને મેચ ડ્રોમાં પરિણમી હતી. તેના આ શૌર્યપૂર્ણ પ્રદર્શનના કારણે ભારતે બે મેચની શ્રેણી ૧-૦થી જીતી હોવા છતાં ક્લીન સ્વીપ કરવાથી વંચિત રહેવું પડ્યું હતું.

 

દિનુષાના આ અદ્ભુત પ્રદર્શનથી પ્રભાવિત થઈને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર તેની ભૂરી-ભૂરી પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, "શ્રીલંકાનો સોનલ એક અદ્ભુત ખેલાડી છે. તે સચિન તેંડુલકર જેવો દેખાય છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મહાન ટેસ્ટ ખેલાડી બની શકે છે." દિનુષાએ આ શ્રેણીમાં પોતાની ચારેય ઇનિંગ્સમાં ૫૦થી વધુ રન (જેમાં ૩ સદી સામેલ છે) બનાવીને કુમાર સંગાકારા અને અરવિંદ ડી સિલ્વા જેવા મહાન ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

 

જોકે, કારકિર્દીની શરૂઆતમાં જ સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડી સાથે દિનુષાની સરખામણી નેટીઝન્સને પસંદ આવી નથી. સોશિયલ મીડિયા પર લોકોએ રાજીવ શુક્લાની પોસ્ટ પર ભારે પ્રતિક્રિયા આપતાં ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે રમૂજમાં કટાક્ષ કરતાં લખ્યું કે, "આરામ કરો મિત્રો, રાજીવ શુક્લાનો મતલબ અર્જુન તેંડુલકર હશે!" જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, "આપણી નબળી બોલિંગ તેને સચિન જેવો દેખાડી રહી છે, જો ૫ ટેસ્ટની શ્રેણી હોત તો તમે તેની સરખામણી સર ડોન બ્રેડમેન સાથે પણ કરી દેત."

 

બજારમાં દિનુષાની ક્ષમતા અને ધીરજની ચોક્કસ પ્રશંસા થઈ રહી છે, પરંતુ સચિન જેવા ક્રિકેટના ભગવાન સાથે સરખામણી કરવા માટે હજુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબી મજલ કાપવી પડશે તેવો સૂર ચાહકોમાં જોવા મળ્યો હતો.

(7:06 PM IST)