તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
"હું હવે ખૂબ જ શાંત થઈ ગયો છું!" IPL અને વર્લ્ડ કપ દરમિયાન આધ્યાત્મિક જપનો જાદુ; સૂર્યકુમાર યાદવે જૈન ધર્મના પ્રભાવ અંગે કર્યો મોટો ખુલાસો
JITO ના કાર્યક્રમમાં સૂર્યાનું હૃદયસ્પર્શી નિવેદન: જૈન મુનિ નમ્રમુનિ મહારાજજી સાથે કરેલા જપથી જીવન અને માનસિકતામાં આવ્યું મોટું પરિવર્તન; ધીરજ, શિસ્ત અને મહેનતને ગણાવ્યા સમુદાયના શ્રેષ્ઠ ગુણો

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન અને સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ (SKY) નો એક આશ્ચર્યજનક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સૂર્યા જૈન ધર્મ, તેની આધ્યાત્મિક પ્રથાઓ અને તેનાથી પોતાના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન વિશે ખુલ્લીને વાત કરતા જોવા મળે છે. જેઆઈટીઓ (JITO - જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) પ્રીમિયર લીગના એક ખાસ કાર્યક્રમમાં બોલતા તેમણે સ્વીકાર્યું હતું કે આધ્યાત્મિક માર્ગે ચાલવાથી તેઓ એક અલગ જ સ્તર પર પહોંચ્યા છે અને તેમના સ્વભાવમાં અદ્ભુત શાંતિ આવી છે.
જૈન સમુદાયના ગુણો: ધીરજ, શિસ્ત અને અથાક મહેનત
સૂર્યકુમાર યાદવે કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો જૈન સમુદાયને માત્ર વેપાર અને વ્યવસાય સાથે જોડે છે, પરંતુ તેઓ આ સમુદાયમાં ખાસ ગુણો જુએ છે. સૂર્યાએ કહ્યું, "જ્યારે પણ જૈન સમુદાયનું નામ આવે છે, ત્યારે મારા મનમાં સૌથી પહેલા ત્રણ બાબતો આવે છે – ધીરજ (Patience), શિસ્ત (Discipline) અને અથાક મહેનત (Hard Work)." તેમણે ઉમેર્યું કે આ ગુણોએ તેમને પણ રમત અને જીવન પ્રત્યે એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે.
IPL અને વર્લ્ડ કપ દરમિયાન કર્યા આધ્યાત્મિક જપ
પોતાના સ્પોર્ટ્સ કરિયરની મોટી ટુર્નામેન્ટ્સનો ઉલ્લેખ કરતા ટી૨૦ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેને જણાવ્યું કે, ક્રિકેટના ભારે દબાણ વચ્ચે જૈન મુનિ નમ્રમુનિ મહારાજજી સાથે જોડાયા પછી તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. સૂર્યાએ કહ્યું કે, "આઈપીએલ (IPL) હોય, ભારત માટેની સિરીઝ હોય કે પછી તાજેતરનો વર્લ્ડ કપ... આ તમામ મોટા મુકાબલાઓ દરમિયાન મેં પૂજ્ય નમ્રમુનિ મહારાજજી સાથે રહીને ખૂબ જપ કર્યા હતા."
"મારી અંદર મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે"
જપ અને આધ્યાત્મિક દિનચર્યાના પ્રભાવ વિશે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "આ પ્રથાઓ અનુસરવાથી મને ઘણો ફરક પડ્યો છે. મારી માનસિક સ્થિતિ એક સંપૂર્ણપણે અલગ જ ઊંચાઈ પર પહોંચી ગઈ છે. 'મેં બહુત શાંત હો ગયા હૂં' (હું હવે ખુબ શાંત થઈ ગયો છું)." રમત અને જીવનના આંતરિક દબાણને હળવું કરવામાં આ આધ્યાત્મિકતાએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. સોશિયલ મીડિયા પર સૂર્યાના આ વાયરલ વિડીયો અને આધ્યાત્મિક વિચારસરણીની ચાહકો ભારે પ્રશંસા કરી રહ્યા છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
