તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 24th August 2026
મેદાન પર ગરમાગરમ બોલાચાલી અને અથડામણ: આઈસીસીએ યશસ્વી જયસ્વાલ અને અસિતા ફર્નાન્ડો સામે લીધા કડક પગલાં
બીજી ટેસ્ટના રોમાંચ વચ્ચે ખેલાડીઓને ફટકારાયો દંડ; 25% મેચ ફી કાપવા સાથે બંનેના ખાતામાં ઉમેરાયો એક-એક ડિમેરિટ પોઈન્ટ

કોલંબો, તા.24: કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે મેદાન પર વાતાવરણ ત્યારે ગરમ થઈ ગયું જ્યારે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને લંકન ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મેચ ચાલુ દરમિયાન જ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ બંને ખેલાડીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે.
આ ઘટના ભારતીય ઈનિંગ્સની 17મી ઓવરમાં ઘટી હતી જ્યારે અસિતા ફર્નાન્ડોએ જયસ્વાલને આઉટ કર્યો હતો. વિકેટ લીધા બાદ ફર્નાન્ડો અને જયસ્વાલ સામસામે આવી ગયા હતા અને એકબીજા તરફ આગળ વધતા બંને વચ્ચે શારીરિક સંપર્ક (અથડામણ) થયો હતો. અમ્પાયરોના અહેવાલ બાદ આઈસીસીએ બંને ખેલાડીઓને આઈસીસી આચારસંહિતાની કલમ 2.12 ના ભંગ બદલ દોષી ઠેરવ્યા છે, જે કોઈપણ ખેલાડી કે અમ્પાયર સાથે અયોગ્ય શારીરિક સંપર્ક કરવા સંબંધિત છે.
મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા પ્રસ્તાવિત સજાનો બંને ખેલાડીઓએ સ્વીકાર કરી લીધો હોવાથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી. નિયમ અનુસાર બંને ખેલાડીઓની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને શિસ્ત રેકોર્ડમાં 1-1 ડિમેરિટ પોઈન્ટ ઉમેરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં બંનેનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાથી તેઓ મોટી સસ્પેન્શનની સજામાંથી બચી ગયા છે.
મેચની વાત કરીએ તો, કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં નજરે પડી રહી છે. બીજા દિવસના બીજા સત્રમાં વરસાદના કારણે રમત અટકી ત્યારે ભારતે 8 વિકેટે 475 રન બનાવી લીધા હતા, જેમાં ધ્રુવ જુરેલ 95 રન બનાવી પોતાની સદી તરફ આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બે ટેસ્ટ મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ભારતે 165 રનથી જીતીને 1-0 થી સરસાઈ મેળવી લીધી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
