<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

‘વન્ડર બોય’ વૈભવ સૂર્યવંશી હવે લાલ બોલથી મચાવશે તબાહી: ટી૨૦ના ધમાકા બાદ દુલીપ ટ્રોફીમાં સૂર્યવંશી પર રહેશે સૌની નજર

ઈસ્ટ ઝોનની ટીમમાં ૧૫ વર્ષીય વૈભવને વાઈસ-કેપ્ટન બનાવી આપી મોટી જવાબદારી; નોર્થ ઈસ્ટ ઝોન સામે ડેબ્યૂ કરી રેડ બોલ ક્રિકેટમાં ક્ષમતા સાબિત કરવાનો પડકાર.

નવી દિલ્હી : ટી૨૦ ક્રિકેટ ફોર્મેટમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી રમતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરનાર ૧૫ વર્ષીય 'વન્ડર બોય' વૈભવ સૂર્યવંશી રવિવારથી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત દુલીપ ટ્રોફીમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઈસ્ટ ઝોનની ટીમ નોર્થ ઈસ્ટ ઝોન સામે મેદાનમાં ઉતરશે, જ્યાં સૌની નજર વૈભવના પ્રદર્શન પર ટકેલી રહેશે. ટી૨૦માં પોતાની તાકાત બતાવ્યા બાદ હવે વૈભવ માટે રેડ બોલ (ફર્સ્ટ ક્લાસ) ક્રિકેટમાં પોતે એક લાંબા ફોર્મેટનો પરિપક્વ ખેલાડી છે તે સાબિત કરવાનો મોટો પડકાર રહેશે.

 

વૈભવ સૂર્યવંશીના અત્યાર સુધીના ફર્સ્ટ ક્લાસ કેરિયરની વાત કરીએ તો તેણે બિહાર માટે ૮ મેચોની ૧૨ ઈનિંગ્સમાં ૧૭થી વધુની સરેરાશથી રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૯૩ રન રહ્યો છે. લાલ બોલના ક્રિકેટમાં અનુભવ ઓછો હોવા છતાં, પ્રાદેશિક પસંદગી સમિતિએ તેનામાં વિશ્વાસ દાખવીને ઈસ્ટ ઝોનની ટીમનો વાઈસ-કેપ્ટન બનાવ્યો છે. ઈસ્ટ ઝોનની ટીમમાં કેપ્ટન ઈશાન કિશન, સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, અભિમન્યુ ઈશ્વરન, મુકેશ કુમાર અને શાહબાઝ અહમદ જેવા અનુભવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની હાજરી હોવા છતાં વૈભવ પોતાની વિશિષ્ટ બેટિંગ શૈલીથી કેન્દ્રસ્થાને રહેશે.

 

આ જ ટૂર્નામેન્ટની અન્ય મેચોની વાત કરીએ તો, સેન્ટ્રલ ઝોન તરફથી આયુષ પાંડે અને અમન મોખાડે જેવા યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા 'A' સામેની આગામી સિરીઝમાં સ્થાન મેળવવા દાવેદારી નોંધાવશે. બીજી તરફ, ૨૦૨૫-૨૬ ની રણજી ટ્રોફીમાં ઐતિહાસિક જીત મેળવનાર જમ્મુ-કાશ્મીરના કન્હૈયા વધાવનને નોર્થ ઝોનની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળની મજબૂત વેસ્ટ ઝોન ટીમ અને નોર્થ ઝોન વચ્ચે પણ રોમાંચક મુકાબલો જોવા મળશે, જે ક્રિકેટ રસિકો માટે ભારે રસપ્રદ બની રહેશે.

(11:07 PM IST)