તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે નેટ્સમાં વહાવ્યો પરસેવો: સોશિયલ મીડિયા પર ફેન્સે કહ્યું- 'અંડરટેકરની જેમ થોડા દિવસ ગાયબ થઈ જાવ'
શ્રેયસ અય્યરને T20I કેપ્ટન બનાવવામાં આવતાં સૂર્યાની ટીમમાંથી બાદબાકી; વાપસી માટે આકરો અભ્યાસ શરૂ કરતા નેટીઝન્સે આપ્યા મિશ્ર પ્રતિભાવો

મુંબઈ : ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતને વિશ્વવિજેતા બનાવનાર ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ (SKY) હાલ પોતાના કરિયરના એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ ભારતીય T20I ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર પાસેથી લઈને શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે. આ મોટા ફેરફાર અને ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યકુમારે નેટ્સમાં સખત પ્રેક્ટિસ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેણે રમતપ્રેમીઓ વચ્ચે ચર્ચા જગાવી છે.
પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર નેટ પ્રેક્ટિસનો વિડિયો શેર કરતા સૂર્યકુમારે લખ્યું હતું કે, "મેચ કરતાં પ્રેક્ટિસને વધુ મુશ્કેલ બનાવો. જો તમે નેટ્સમાં તમારા પર મહત્તમ દબાણ લાવો છો, તો મેદાન પર રમત દરમિયાન શાંત રહેવું તમારી ટેવ બની જાય છે. મુશ્કેલ પરિસ્થિતિઓને સ્વીકારો." તાજેતરના સમયમાં સૂર્યાના ખરાબ ફોર્મને કારણે કેપ્ટનશીપમાં આ બદલાવ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ વાપસી માટે તેનો આ જુસ્સો ચાહકોમાં આશા જગાવી રહ્યો છે.
સૂર્યાની આ પોસ્ટ પર ક્રિકેટ ચાહકો અને નેટીઝન્સ તરફથી ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક ચાહકે રમુજી અને પ્રેરણાદાયી સલાહ આપતા લખ્યું કે, "અભી આપ અંડરટેકર કી તરહ કુછ દિનો કે લિયે ગયાબ હો જાઓ... અમે તમને જલ્દી જ ભારતની જર્સીમાં અને ૨૦૨૨ કરતાં પણ સિંહ જેવા શ્રેષ્ઠ વર્ઝનમાં જોવા માંગીએ છીએ. ઓલ ધ બેસ્ટ!" જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે તેને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કડવી વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ.
જોકે, બહુમતી ચાહકો હજુ પણ સૂર્યકુમાર યાદવની વાપસીની આશા રાખી રહ્યા છે. ટી૨૦ ના આ આક્રમક બેટ્સમેને નેટ્સમાં જે રીતે પરસેવો વહાવવાનું શરૂ કર્યું છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે સખત મહેનત કરવા તૈયાર છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની નવી ટીમમાં સૂર્યા ફરી ક્યારે કમબેક કરે છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
