News of Saturday, 15th August 2026
ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે દેવદત્ત પડિક્કલની શાનદાર સદીથી ભારતનો દબદબો: કેએલ રાહુલની ફિફ્ટી સાથે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બનાવી ૨૮૮/૨ની મજબૂત સ્થિતિ!
ટીમ ઈન્ડિયામાં દોઢ વર્ષ પછી વાપસી કરતા જ પડિક્કલે ફટકારી સદી; વરસાદથી પ્રભાવિત મેચમાં ઋષભ પંત અને પડિક્કલ ક્રિઝ પર અણનમ.

ગાલે: શ્રીલંકા સામે ગાલે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને યોગ્ય સાબિત કરતા ભારતીય બેટ્સમેનોએ ૭૩ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૨૮૮ રનનો તોતિંગ સ્કોર ખડકી દીધો છે.
મેચની શરૂઆતમાં ઓપનર યશસ્વી જયસ્વાલ ૩૨ રન બનાવી કમનસીબે રન આઉટ થયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને દેવદત્ત પડિક્કલે મોરચો સંભાળીને શાનદાર સદીની ભાગીદારી નોંધાવી હતી. ૨૦૨૪માં પર્થ ટેસ્ટ બાદ ટીમમાં વાપસી કરી રહેલા પડિક્કલે ક્લાસિક બેટિંગનું પ્રદર્શન કરતા ૧૩૧ રન (૧૭૮ બોલ) ની યાદગાર ઈનિંગ્સ રમી હતી. બીજી તરફ કેએલ રાહુલે પણ ૭૭ રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ હાથમાં ઈજા થવાના કારણે તેણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાન છોડવું પડ્યું હતું.
કેપ્ટન શુભમન ગિલ ૧૬ રન બનાવી પ્રભાત જયસૂર્યાની બોલિંગમાં સ્પિનનો શિકાર બન્યો હતો. ત્રીજા સત્રમાં અચાનક વરસાદ પડતાં રમત થોડો સમય અટકી હતી, પરંતુ રમત ફરી શરૂ થયા બાદ પડિક્કલ અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (૨૭ રન) વધુ કોઈ ક્ષતિ વિના દિવસનો ખેલ પૂરો કર્યો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવી આ શ્રેણીમાં ભારત પ્રથમ દિવસના અંતે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
