<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

WTC ફાઈનલ રમવું જ અમારું મુખ્ય લક્ષ્ય: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં કેપ્ટન શુભમન ગિલનો મોટો દાવો!

આગામી 9 ટેસ્ટમાંથી ઓછામાં ઓછી 6 થી 7 મેચો જીતવી અનિવાર્ય: દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારત માટે હવે દરેક મુકાબલો 'કરો યા મરો'

કોલંબો : વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલમાં સ્થાન મેળવવાની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. શ્રીલંકા સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયાનું મુખ્ય લક્ષ્ય આગામી વર્ષે ધ ઓવલ ખાતે રમાનારી WTC ફાઈનલમાં પ્રવેશવાનું છે. દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે મળેલી પરાજય બાદ પોઈન્ટ્સ ટેબલમાં ભારત પાંચમા સ્થાને સરકી ગયું હોવાથી હવે ભારતીય ટીમ માટે આગામી દરેક મેચ અત્યંત નિર્ણાયક બની ગઈ છે.

 

મેચ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગિલે જણાવ્યું હતું કે, "અમારું સ્પષ્ટ લક્ષ્ય આવતા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાનું છે. આ સાયકલમાં અમારી પાસે હવે લગભગ 9 ટેસ્ટ મેચો બાકી છે, જેમાંથી ફાઈનલમાં ક્વોલિફાય થવા માટે અમારે ઓછામાં ઓછી 6 થી 7 મેચો જીતવી પડશે. તે દ્રષ્ટિએ શ્રીલંકા સામેની આ શ્રેણી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે." ભારતને WTC ફાઈનલની રેસમાં જળવાઈ રહેવા અને 60% ટકાવારી સુધી પહોંચવા માટે બાકીની મેચોમાંથી ઓછામાં ઓછા 78 થી 84 પોઈન્ટ્સની જરૂર છે.

 

આ મહત્વપૂર્ણ શ્રેણી માટે ભારતીય ટીમ શ્રીલંકા વહેલી પહોંચી ગઈ હતી અને કોલંબો ખાતે શ્રીલંકા ક્રિકેટ XI સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. જેમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા સામેની શ્રેણી બાદ ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. WTC ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે હવે ભારત પાસે ભૂલ કરવાની કોઈ તક બચી નથી.

 

(8:09 PM IST)