<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬: લાગોસમાં ભારતીય તલવારબાજોનો દબદબો, ૩ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૫ મેડલ!

ભારતીય ફેન્સિંગ ટીમે વિવિધ વ્યક્તિગત ઇવેન્ટ્સમાં અદ્ભુત પ્રદર્શન કરીને રચ્યો ઇતિહાસ; દેશની કુલ મેડલ સંખ્યા વધીને ૨૯ પર પહોંચી.

નાઇજીરીયા : નાઇજીરીયાના લાગોસ ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતીય તલવારબાજોએ પોતાની ધારદાર રમતથી વિરોધીઓને પરાસ્ત કરીને ભારતનો ઝંડો લહેરાવ્યો છે. ભારતીય ટીમે સિનિયર વ્યક્તિગત ઇવેન્ટ્સમાં અસાધારણ પ્રદર્શન કરતાં ૩ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ સહિત કુલ ૫ મેડલ પોતાના નામે કર્યા છે. આ શાનદાર સફળતા સાથે સ્પર્ધામાં ભારતની કુલ મેડલ સંખ્યા વધીને ૨૯ પર પહોંચી ગઈ છે, જેમાં ૮ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

 

સિનિયર મહિલા ફોઇલ કેટેગરીમાં ભારતે શરૂઆતથી જ સંપૂર્ણ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતીય ખેલાડી કનાગ્લક્ષ્મીએ પોતાના સચોટ અને નિયંત્રિત પ્રદર્શનથી ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ભારતની જ જોય્સ આશિથાએ રજત ચંદ્રક (સિલ્વર) મેળવીને ઇંગ્લેન્ડના ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા અને પોડિયમ પર પ્રથમ બે સ્થાનો પર કબ્જો કર્યો હતો.

 

બીજી તરફ, સિનિયર મેન્સ એપી ડિસિપ્લિનમાં રાજેન્દ્રન શાંતિમોલ શેરજિને શાનદાર રમત દાખવીને દક્ષિણ આફ્રિકાના ક્રુગર પીટરને હરાવી ભારત માટે દિવસનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ રીતે, સિનિયર મેન્સ સેબર ઇવેન્ટની ફાઇનલમાં કરણ સિંહે ઓસ્ટ્રેલિયાના શિમ યોંગી સામે રોમાંચક જીત મેળવીને દિવસનો ત્રીજો ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો હતો. આ જ ઇવેન્ટમાં કુમારેસન પદ્મ ગિશો નિધિએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલ ટેલીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

 

(7:35 PM IST)