<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા વાંદરાઓના ત્રાસને રોકવાના અનોખા પગલાંનું પીવી સિંધુએ કર્યું મજબૂત સમર્થન: વિરોધ કરનારાઓને આપ્યો સણસણતો જવાબ!

વિમ્બલ્ડનનું ઉદાહરણ આપીને ભારતીય બેડમિન્ટન ક્વીને કહ્યું, ‘મને આક્રોશ સમજાતો નથી’; નવી દિલ્હીમાં ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાશે વર્લ્ડ બેડમિન્ટનનો મહાકુંભ.

નવી દિલ્હી: તા.12 નવી દિલ્હીમાં યોજાનારી ૨૦૨૬ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા સ્ટેડિયમ સંકુલમાંથી વાંદરાઓને દૂર રાખવા માટે લેવામાં આવી રહેલા અસામાન્ય પગલાં અંગે શરૂ થયેલા વિવાદ પર ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ મોટું નિવેદન આપ્યું છે. સિંધુએ આ તૈયારીઓ સામે થઈ રહેલી ટીકાઓને સખત શબ્દોમાં ફગાવી દેતાં આ પગલાંનું મજબૂત સમર્થન કર્યું છે. તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દરેક આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટને તેના પોતાના સ્થાનિક પડકારોનો સામનો કરવો પડે છે અને તેને લઈને ભારતની તૈયારીઓ પર સવાલ ઉઠાવવા વાજબી નથી.

 

સિંધુએ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટનું ઉદાહરણ આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "૧૦૦%, હું ખરેખર આ વિરોધ કે આક્રોશ સમજી શકતી નથી." તેણે યાદ અપાવ્યું હતું કે પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેન્ડ ક્લબ (વિમ્બલ્ડન) માં કબૂતરોને દૂર રાખવા માટે વર્ષોથી 'રૂફસ' નામના બાજ (Falcon) નો ઉપયોગ કરવામાં આવે છે. સિંધુએ દલીલ કરી હતી કે જ્યારે વૈશ્વિક સ્તરે આવા ઉપાયો સામાન્ય છે, ત્યારે દિલ્હીમાં કરવામાં આવેલા સમાન નિવારક પ્રયાસો ભારતની આયોજન ક્ષમતા સામે ચર્ચાનો મુખ્ય મુદ્દો ન બનવા જોઈએ.

 

અહેવાલો અનુસાર, બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) એ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ સંકુલમાંથી રીસસ મેકાક (વાંદરાઓ) ને ભગાડવા માટે લંગુરના અવાજની નકલ કરી શકે તેવા ત્રણ નિષ્ણાતોની સેવાઓ લીધી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઈન્ડિયા ઓપન દરમિયાન વાંદરાઓ સ્ટેડિયમમાં ઘૂસી જતાં મેચોમાં વિગ્ન પડ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને આ વખતે આ તકેદારી રાખવામાં આવી છે.

 

૨૦૧૯ ની વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ ઉમેર્યું હતું કે વાંદરાઓ પર નિયંત્રણ મેળવવું એ આટલી મોટી વૈશ્વિક ટુર્નામેન્ટ માટે હાથ ધરવામાં આવેલી વ્યાપક તૈયારીઓનો માત્ર એક નાનો ભાગ છે. તેણે આશા વ્યક્ત કરી હતી કે ભારત વિશ્વસ્તરીય ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરીને સમગ્ર વિશ્વ સામે પોતાની શાનદાર આતિથ્ય ભાવના રજૂ કરશે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે, જેમાં વિશ્વના તમામ અગ્રણી બેડમિન્ટન ખેલાડીઓ ભારતની ધરતી પર સામસામે ટકરાશે.

 

(4:57 PM IST)