તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
પિતા એન્ડ્રુ ફ્લિન્ટોફના પદચિહ્નો પર ૧૮ વર્ષનો રોકી: ૭૬ બોલમાં ૧૨૩ રનની તોફાની ઇનિંગ રમી લેન્કેશાયર માટે નોંધાવ્યો ૪૪૩ રનનો વર્લ્ડ રેકોર્ડ સ્કોર!
સમરસેટ સામે માત્ર ૬૫ બોલમાં સદી ફટકારી રોકી ફ્લિન્ટોફે ક્રિકેટ જગતમાં મચાવી સસનાટી; લેન્કેશાયરે લિસ્ટ-એ ક્રિકેટમાં બનાવ્યો પોતાનો સર્વોચ્ચ સ્કોર

ટોન્ટન : ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફના ૧૮ વર્ષીય પુત્ર રોકી ફ્લિન્ટોફે વ્યાવસાયિક ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને પિતાના વારસાને આગળ ધપાવ્યો છે. મેટ્રો બેંક વન-ડે કપમાં સમરસેટ સામે રમાયેલી મેચમાં રોકીએ માત્ર ૭૬ બોલમાં ૧૨૩ રનની તોફાની ઇનિંગ રમીને પોતાની ટીમ લેન્કેશાયરને ૬ વિકેટે ૪૪૩ રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી, જે લિસ્ટ-એ ક્રિકેટમાં લેન્કેશાયરનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
માત્ર ૬૫ બોલમાં સદી અને કીટન જેનિંગ્સ સાથે ૨૧૪ રનની ભાગીદારી
લેન્કેશાયરનો સ્કોર જ્યારે ૧૩૮ રન હતો ત્યારે પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા રોકી ફ્લિન્ટોફે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે ૩૭ બોલમાં અડધી સદી અને ત્યારબાદ માત્ર ૨૮ બોલમાં બાકીના ૫૦ રન ઉમેરીને કુલ ૬૫ બોલમાં પોતાની પ્રથમ વ્યાવસાયિક સદી પૂરી કરી હતી. રોકીએ કેપ્ટન કીટન જેનિંગ્સ (૧૫૬ રન) સાથે મળીને ચોથી વિકેટ માટે ૨૧૪ રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાવીને સમરસેટના બોલરોને બરાબરના ઝૂડી નાખ્યા હતા.
અંડર-૧૯ થી લાયન્સ સુધી ઝળકેલો રોકી ફ્લિન્ટોફ
વર્ષ ૨૦૨૪ માં માત્ર ૧૬ વર્ષની ઉંમરે લેન્કેશાયર સાથે પ્રથમ કરાર કરનાર રોકી આ પહેલા ઇંગ્લેન્ડ અંડર-૧૯ ટીમ તરફથી સૌથી નાની વયે સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવી ચૂક્યો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડ લાયન્સ વતી રમતા પણ શાનદાર સદી ફટકારી હતી. ઈજામાંથી પુનરાગમન કર્યા બાદ સાત મેચોમાં તેની આ તોફાની સદીને કારણે લેન્કેશાયરની નોકઆઉટ તબક્કામાં પહોંચવાની શક્યતાઓ અત્યંત મજબૂત બની ગઈ છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
