તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં સ્પીનનો સપાટો: ૧૪ વિકેટોના પતન વચ્ચે પાકિસ્તાની સ્પિનરોએ વેસ્ટ ઇન્ડીઝને ૧૦૩/૬ પર ધકેલ્યું, મેચ રોમાંચક મોડ પર
જોમેલ વોરિકનની ૬ વિકેટ અને અબ્દુલ્લા શફીકના અણનમ ૧૬૦ રન બાદ સાજિદ ખાનની આક્રમક બોલિંગ: ઘાયલ બ્રાન્ડન કિંગની ગેરહાજરીમાં કેરેબિયન ટીમ મુશ્કેલીમાં

પોર્ટ ઓફ સ્પેન : વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સ્પીન બોલરોનો ભારે દબદબો જોવા મળ્યો હતો. એક જ દિવસમાં ૧૪ વિકેટોનો ધરાશાયી થતાં મેચ અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં ૩૮૭ રન બનાવીને ૪૩ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. જોકે, દિવસના અંતે પાકિસ્તાની સ્પિનર સાજિદ ખાન (૪/૩૨) અને અલી ઉસ્માન (૨/૨૯) ની ઘાતક બોલિંગના કારણે બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૦૩ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી છે અને તેમની કુલ લીડ અત્યારે માત્ર ૬૦ રનની રહી છે.
પાકિસ્તાને પોતાના આગલા દિવસના ૨૬૬/૨ ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ કેપ્ટન બાબર આઝમ (૮૮) દૂર્ભાગ્યપૂર્ણ રીતે રનઆઉટ થતાં પાકિસ્તાની બેટિંગ લાઇન-અપમાં ધડાકો થયો હતો. વિન્ડીઝના જોમેલ વોરિકને અદ્ભુત સ્પિન બોલિંગનું પ્રદર્શન કરતાં ૧૧૨ રનમાં ૬ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ રિઝવાન (૧૮) અને અન્ય મધ્યમ ક્રમના બેટ્સમેનો ઝડપથી આઉટ થઈ ગયા હતા. જોકે, એક છેડેથી ઓપનર અબ્દુલ્લા શફીકે ૧૬૦ રનની અણનમ અને ધૈર્યપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. તેને સાજિદ ખાન સાથે ૫૯ રનની મહત્વની ભાગીદારી કરીને પાકિસ્તાનને ૩૮૭ રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
બીજી ઇનિંગ્સમાં ૪૩ રનની ખાધ સાથે મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી હતી અને હોજ (૩૪) તથા ટેગેનરાઇન ચંદ્રપોલે પ્રથમ વિકેટ માટે સારી ભાગીદારી કરી હતી. પરંતુ સાજિદ ખાને ચંદ્રપોલને આઉટ કરીને સ્પિન એટેકની શરૂઆત કરી હતી. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર ૯૯/૩ થી ઘટીને ૧૦૩/૬ થઈ ગયો હતો. કમરના નીચલા ભાગમાં ઇજા થવાના કારણે સ્ટ્રેચર પર બહાર ગયેલા બ્રાન્ડન કિંગની બેટિંગમાં ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા છે, જેના કારણે વેસ્ટ ઇન્ડીઝ અત્યંત નાજુક સ્થિતિમાં મુકાઈ ગયું છે. ચોથા દિવસે જસ્ટિન ગ્રીવ્સ અને ટેલએન્ડર્સ પર લીડ ૧૫૦ થી વધુ સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
