તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
વર્લ્ડ એથ્લેટિક્સ U20 માં ભારતના વિજયી અભિયાનનું નેતૃત્વ કરશે પૂજા સિંહ: ૩૬ સભ્યોની ભારતીય ટુકડી યુજેનમાં વૈશ્વિક સ્ટેજ પર ચમકવા તૈયાર
એશિયન ચેમ્પિયનશિપના ઐતિહાસિક પ્રદર્શન બાદ ઓરેગોનના હેવર્ડ ફિલ્ડ ખાતે ભારતીય ખેલાડીઓ રચશે નવો ઈતિહાસ: ૧૪૭ દેશોના ૧૮૦૦ થી વધુ એથ્લેટ્સ વચ્ચે ખરાખરીનો જંગ

યુજેન : અમેરિકાના ઓરેગોન સ્થિત યુજેનના ઐતિહાસિક હેવર્ડ ફિલ્ડ ખાતે ૫ થી ૯ ઓગસ્ટ દરમિયાન યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ U20 ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં ભારતની ૩૬ સભ્યોની મજબૂત ટુકડી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. વરિષ્ઠ રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને વર્તમાન એશિયન ચેમ્પિયન પૂજા સિંહ આ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં ૨૩ પુરુષો અને ૧૩ મહિલા એથ્લેટ્સનો સમાવેશ થાય છે, જેઓ તાજેતરમાં હોંગકોંગ ખાતે યોજાયેલી એશિયન U20 ચેમ્પિયનશિપમાં ૧૦ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીતીને ચીન પછી બીજા ક્રમે રહ્યા બાદ ઉત્સાહિત મૂડમાં વૈશ્વિક સ્પર્ધામાં ઉતરશે.
ભારતીય આશાઓનું મુખ્ય કેન્દ્ર ૧૯ વર્ષીય પૂજા સિંહ રહેશે, જેણે એશિયન U20 ચેમ્પિયનશિપમાં ૧.૯૩ મીટરની હાઈ જમ્પ લગાવીને નવો સિનિયર નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો અને ૨૦૧૨ માં સ્થાપિત ૧.૯૨ મીટરનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. પૂજા ઉપરાંત, ૫૦૦૦ મીટર રેસ વોકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીતિન ગુપ્તા અને લોંગ જમ્પ ચેમ્પિયન શાહનવાઝ ખાન પણ ભારતીય મેડલ દાવેદારીનું નેતૃત્વ કરશે. આ વખતે સ્પર્ધામાં ૧૪૭ દેશોના ૧,૮૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે તેને ઈતિહાસની સૌથી મોટી U20 વર્લ્ડ ચેમ્પિયનશિપ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, આ વૈશ્વિક ટૂર્નામેન્ટે ભૂતકાળમાં નીરજ ચોપરા (૨૦૧૬ માં ભાલા ફેંકમાં ગોલ્ડ) અને હિમા દાસ (૨૦૧૮ માં ૪૦૦ મીટરમાં ગોલ્ડ) જેવા સુપરસ્ટાર્સ દેશને આપ્યા છે. સ્પ્રિન્ટ, મિડલ ડાયરેક્શન, થ્રો, રેસ વોક અને રિલે ઇવેન્ટ્સમાં ભારતના યુવા ખેલાડીઓની હાજરી જુનિયર એથ્લેટિક્સમાં દેશની વધતી જતી ક્ષમતા દર્શાવે છે. ૫ ઓગસ્ટથી શરૂ થતી વિવિધ ઈવેન્ટ્સ સાથે ભારતીય ટુકડી અગાઉના લિમા વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રદર્શન કરતા સુધારો કરીને વધુ મેડલો દેશના નામે કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
