<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મોટા ફેરબદલના એંધાણ: અજિત અગરકરની જગ્યાએ VVS લક્ષ્મણ બની શકે છે BCCI ના નવા ચીફ સિલેક્ટર

સપ્ટેમ્બરમાં યોજાનારી AGM માં લેવાશે અંતિમ નિર્ણય: સિનિયર ખેલાડીઓના ભવિષ્ય અને વર્કલોડ અંગેના વિવાદો વચ્ચે ચીફ સિલેક્ટરની ખુરશી પર સંકટના વાદળો

મુંબઈ: તા.05: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિમાં મોટો ફેરબદલ થવાની અટકળોએ જોર પકડ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, વર્તમાન ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કરાર સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે અને બોર્ડ તેમના અનુગામી તરીકે ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન VVS લક્ષ્મણના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી પ્રબળ શક્યતા છે.

અજિત અગરકરે જુલાઈ ૨૦૨૩ માં ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ૨૦૨૪ અને ૨૦૨૬ નો T20 વર્લ્ડ કપ, ૨૦૨૫ ની ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ એશિયા કપ જેવા અનેક મોટા ટ્રોફી જીતીને અસાધારણ સફળતા મેળવી છે. આમ છતાં, સિનિયર ખેલાડીઓના સંક્રમણકાળ, રોહિત શર્મા અને વિરાટ કોહલીના ૨૦૨૭ ODI વર્લ્ડ કપમાં રમવા અંગેના વિવાદસ્પદ નિવેદનો અને ટીમ મેનેજમેન્ટ સાથેના કથિત મતભેદોને કારણે અગરકરની ભૂમિકા સામે પ્રશ્નો ઊભા થયા છે.

હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ના વડા તરીકે ફરજ બજાવતા VVS લક્ષ્મણ પાસે યુવા પ્રતિભાઓ અને ડોમેસ્ટિક ક્રિકેટનું ઊંડું જ્ઞાન છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, બોર્ડના કેટલાક પદાધિકારીઓએ જ લક્ષ્મણના નામની ભલામણ કરી છે. જોકે, આ અંગે સોશિયલ મીડિયા પર ચાહકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક ચાહકોનું માનવું છે કે લક્ષ્મણનો અનુભવ પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે તેઓ પસંદગીકાર કરતાં કોચિંગ કે એકેડેમીની ભૂમિકામાં વધુ યોગ્ય છે. ૨૦૨૭ ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બોર્ડ આ અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે.

 

(4:59 PM IST)