<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૬: નવી દિલ્હીમાં યોજાનારા મહાકુંભમાં પીવી સિંધુ અને સાત્વિક-ચિરાગ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે!

૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રમાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ: લક્ષ્ય સેન ૧૪મો અને સાત્વિક-ચિરાગની જોડી ૫માં ક્રમાંકે!

નવી દિલ્હી : બેડમિન્ટન જગતના સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૬ની ૩૦મી આવૃત્તિ આગામી ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહી છે. હોમ ગ્રાઉન્ડ પર યોજાનારી આ ચેમ્પિયનશિપમાં ભારતીય પડકારનું નેતૃત્વ જાપાન ઓપન ચેમ્પિયન પીવી સિંધુ અને એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી કરશે. સિંધુને મહિલા સિંગલ્સમાં ૯મો સીડ અપાયો છે, જ્યારે સાત્વિક-ચિરાગની જોડીને મેન્સ ડબલ્સમાં ૫મો સીડ મળ્યો છે.

ભારતના દિગ્ગજોને મળ્યું ટોપ સીડિંગ

હાલમાં જ જાહેર કરાયેલી સીડિંગ યાદી મુજબ, ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલિસ્ટ લક્ષ્ય સેન પુરુષ સિંગલ્સમાં ૧૪મો સીડ ધરાવે છે, જ્યારે ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની મિશ્ર ડબલ્સ જોડીને ૧૫મો સીડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની બાસેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પીવી સિંધુ ૨૦૧૩ થી ૨૦૧૯ વચ્ચે મેડલનો સંપૂર્ણ સેટ જીતનારી વિશ્વની જૂજ ખેલાડીઓમાંથી એક છે, જેના કારણે ભારતને આ વખતે ઘરઆંગણે ફરી મેડલની મોટી આશા છે.

વિશ્વના ધુરંધરો વચ્ચે ખેલાશે જંગ

ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સમાં ચીનનો શિયા યુકી અને મહિલા સિંગલ્સમાં દક્ષિણ કોરિયાની સુપરસ્ટાર એન સે યંગ ટોચના ક્રમાંકે રહેશે. જાપાનની અકાને યામાગુચીને મહિલા સિંગલ્સમાં બીજો સીડ આપવામાં આવ્યો છે. મેન્સ ડબલ્સમાં દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જેની જોડી અને વુમન્સ ડબલ્સમાં ચીનની લિયુ શેંગ શુ અને ટેન નિંગની જોડી ટોપ સીડ તરીકે મેદાનમાં ઉતરશે.

૩૮૨ ખેલાડીઓ વચ્ચે ટ્રોફી માટે મહાસંગ્રામ

આ વિશ્વ ચેમ્પિયનશિપમાં પાંચેય શ્રેણીઓ (મેન્સ સિંગલ્સ, વુમન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વુમન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ) મળીને વિશ્વભરમાંથી ૩૮૨ ખેલાડીઓ ભાગ લેશે. બુધવારે નવી દિલ્હી ખાતે જ સત્તાવાર ડ્રો જાહેર કરવામાં આવશે. ભારતમાં લાંબા સમય પછી યોજાઈ રહેલા આ મેગા બેડમિંતન ઉત્સવને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(9:00 PM IST)