<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

લૌઝેન ડાયમંડ લીગમાં મહાસંગ્રામ: નીરજ ચોપરા ૨૧ ઓગસ્ટે અરશદ નદીમ અને રૂમેશ થાપિરાજ સામે ટકરાવા તૈયાર!

ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન્સથી સજ્જ જેવલિન થ્રોના જંગમાં મચશે ધમાસાણ; ઈજામાંથી વાપસી બાદ ભારતના ગોલ્ડન બોયની ગોલ્ડ મેડલ પર નજર!

નવી દિલ્હી : બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતના સ્ટાર ભાલા ફેંક (Javelin Throw) ખેલાડી નીરજ ચોપરા ૨૧ ઓગસ્ટે લૌઝેન ડાયમંડ લીગ (Lausanne Diamond League) માં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિશ્વના શ્રેષ્ઠ દિગ્ગજ એથ્લેટ્સ સામસામે હશે. જેમાં તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના સ્ટાર ખેલાડી રૂમેશ પાથિરાજ અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે.
ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન્સનો જમાવડો
લૌઝેન ડાયમંડ લીગના આયોજકોના જણાવ્યા અનુસાર, આ વખતે જેવલિન થ્રોની સ્પર્ધામાં અસાધારણ રોમાંચ જોવા મળશે. ઓલિમ્પિક રમતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપની વિતેલી ચાર આવૃત્તિઓમાં ગોલ્ડ મેડલ જીતનારા પાંચ સુપરસ્ટાર્સ આ એક જ ટ્રેક પર આમને-સામને થશે.
આ મહાસંગ્રામમાં નીરજ ચોપરા ઉપરાંત:
•    પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ
•    ત્રિનિદાદ અને ટોબેગોના વર્તમાન વિશ્વ ચેમ્પિયન કેશોર્ન વોલકોટ
•    ગ્રેનાડાના પૂર્વ વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ
•    જર્મનીના પૂર્વ ઓલિમ્પિક વિજેતા થોમસ રોહલર
•    ચેક રિપબ્લિકના જેકુબ વાડલેજ અને જર્મનીના જુલિયન વેબર જેવા દિગ્ગજો પણ મેદાનમાં ઉતરશે.
ઈજા બાદ નીરજ ચોપરાની શાનદાર વાપસી
ગયા વર્ષે પીઠની ઈજામાંથી ઉગરીને પાછા ફરેલા ૨૮ વર્ષીય નીરજ ચોપરા માટે આ સિઝનની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તાજેતરમાં જ ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં નીરજે ૮૫.૮૩ મીટરના પોતાના સિઝન બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
પોતાના ફોર્મ અંગે વાત કરતા નીરજે જણાવ્યું હતું કે, "અલબત્ત, આપણે હંમેશા રાષ્ટ્રગીત વાગે તેવું ઈચ્છીએ છીએ, પરંતુ ઈજા બાદ મારી વાપસી યોગ્ય દિશામાં થઈ રહી છે અને મેં સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. આગામી સ્પર્ધાઓ માટે હું ખૂબ ઉત્સાહિત છું."
શ્રીલંકન સ્ટાર રૂમેશ પાથિરાજથી મોટો પડકાર
આ વખતે નીરજ માટે સૌથી મોટો પડકાર શ્રીલંકાનો રૂમેશ પાથિરાજ સાબિત થઈ શકે છે, જે હાલમાં રેકોર્ડબ્રેક ફોર્મમાં ચાલી રહ્યો છે. પાથિરાજે કોમનવેલ્થ ગેમ્સમાં ૮૯.૭૫ મીટરનો ભાલો ફેંકીને સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ સિઝનમાં ૯૨.૬૨ મીટરના પર્સનલ બેસ્ટ થ્રો સાથે ૯૦ મીટરની બેંચમાર્ક સપાટી પાર કરનાર તે વિશ્વનો એકમાત્ર એથ્લેટ છે.
જોકે, ૨૦૨૨ માં ૮૯.૦૮ મીટરના થ્રો સાથે લૌઝેન ડાયમંડ લીગનું ટાઈટલ જીતનાર નીરજ ચોપરા ફરી એકવાર ઈતિહાસ રચવા અને ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે પૂરી તાકાત લગાવશે.

(6:35 PM IST)