<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ધર્મશાલામાં હિટમેનનો ઐતિહાસિક ધમાકો: રોહિત શર્માએ તોડ્યો ૩૭ વર્ષ જૂનો અમરનાથનો રેકોર્ડ

અફઘાનિસ્તાન સામેની વનડે મેચમાં મેદાન પર ઉતરીને ભારતીય બેટ્સમેનએ રચ્યો નવો ઇતિહાસ : ૩૯ વર્ષ અને ૪૪ દિવસની ઉંમરે મેચ રમીને વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરના ભારતીય ક્રિકેટર બનવાનું મેળવ્યું બહુમાન

 નવી દિલ્હી : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હિમાચલ પ્રદેશના સુંદર ધર્મશાલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં વરસાદે પ્રારંભિક વિઘ્ન નાખ્યું હતું. ખરાબ હવામાનને કારણે ટોસ નિર્ધારિત સમય કરતાં ૪ કલાક અને ૧૫ મિનિટ મોડો થયો હતો. સુકાની શુભમન ગિલે ટોસ જીતીને અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મેચ ભલે મોડી શરૂ થઈ, પરંતુ ભારતીય ક્રિકેટના ઈતિહાસ માટે આ ક્ષણ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ કારણ કે અનુભવી ઓપનર રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનના ભાગ તરીકે મેદાન પર ઉતર્યો હતો.

આ મેચમાં પગ મૂકતાની સાથે જ રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે હવે ભારત માટે વનડે ફોર્મેટમાં રમનારો સૌથી મોટી ઉંમરનો પુરુષ ક્રિકેટર બની ગયો છે. હિટમેને આજે ૩૯ વર્ષ અને ૪૪ દિવસની ઉંમરે આ મેચ રમીને પૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથનો ૩૭ વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી કર્યો છે. અમરનાથે ૩૦ ઓક્ટોબર, ૧૯૮૯ના રોજ ૩૯ વર્ષ અને ૩૬ દિવસની ઉંમરે ભારત માટે પોતાની અંતિમ વનડે મેચ રમી હતી, જે રેકોર્ડ આજે સત્તાવાર રીતે તૂટી ગયો છે.

જો વૈશ્વિક સ્તરે વાત કરવામાં આવે તો વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે મેચ રમવાનો ઓલ-ટાઇમ રેકોર્ડ નેધરલેન્ડ્સના નોલાન ક્લાર્કના નામે છે, જેમણે ૪૭ વર્ષ અને ૨૫૭ દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં શુભમન ગિલ, રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર અને ઇશાન કિશન જેવા દિગ્ગજો સહિત વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુર્નુર બ્રાર, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે.

(9:28 PM IST)