News of Monday, 8th June 2026
ક્રિકેટના મેદાનમાં 'KKR' ની જૂની યાદો તાજી થઈ: ગૌતમ ગંભીર અને રહેમાનુલ્લાહ ગુરબાઝના હૃદયસ્પર્શી મિલને ચાહકોના જીતી લીધા દિલ!
ટીમ ઇન્ડિયાના કોચ અને અફઘાની વિકેટકીપરની આત્મીય લાગણી સોશિયલ મીડિયા પર વાયરલ; 'એક વાર નાઈટ, હંમેશા નાઈટ'ના નારાથી ગુંજ્યું સ્ટેડિયમ

મુલ્લાનપુર : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન મેદાનની અંદર રમાતી રમત કરતાં પણ વધુ ચર્ચા એક ભાવુક ક્ષણની થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને અફઘાનિસ્તાનના સ્ટાર વિકેટકીપર રહેમાનુલ્લાહ ગુરબાઝનું પુનઃમિલન ચાહકો માટે મેચનું સૌથી યાદગાર અને સુંદર દ્રશ્ય બની ગયું છે. બંને વચ્ચેનો આ આત્મીય સંબંધ ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં બંધાયેલા અતૂટ બંધનોની સાક્ષી પૂરે છે.
ગુરબાઝ અને ગંભીર: KKR નો એક મજબૂત નાતો
ગૌતમ ગંભીર અને રહેમાનુલ્લાહ ગુરબાઝ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. ગુરબાઝ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ રમ્યો છે. ગંભીરના નેતૃત્વમાં KKR એ ૨૦૨૪માં IPLનું ખિતાબ જીત્યું હતું અને ગુરબાઝ તે વિજેતા ટીમનો એક મહત્વનો હિસ્સો હતો. આ ત્રણ વર્ષના લાંબા સફરમાં બંને વચ્ચે માત્ર પ્રોફેશનલ જ નહીં, પરંતુ એક મજબૂત અંગત સંબંધ પણ બંધાયો છે.
વાયરલ વીડિયોમાં દેખાયો પરસ્પર આદર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, અફઘાનિસ્તાનની ટીમ જ્યારે મેદાનમાં પ્રવેશી રહી હતી, ત્યારે કોચ ગૌતમ ગંભીર સીડીઓ ચઢી રહ્યા હતા. ગુરબાઝે જેવો ગંભીરને જોયો, તેવો જ તે તરત તેમની પાસે પહોંચ્યો હતો. બંનેએ એકબીજાને હૂંફથી ગળે લગાવ્યા હતા અને થોડી ક્ષણો માટે બંને વચ્ચે અત્યંત ભાવુક વાતચીત પણ થઈ હતી. મેદાનની અંદરની હરીફાઈને બાજુ પર રાખીને જોવા મળેલા આ આદરના દ્રશ્યે ઉપસ્થિત તમામ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
'એક વાર નાઈટ, હંમેશા નાઈટ'
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકોએ તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો છે. નેટીઝન્સે આ જોડીને KKR ના સંદર્ભમાં "એક વાર નાઈટ, હંમેશા નાઈટ" (Once a Knight, Always a Knight) કહીને નવાજી છે. ચાહકોનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની રસાકસી વચ્ચે પણ આવી ઘટનાઓ સાબિત કરે છે કે ક્રિકેટ માત્ર રમત નથી, પણ સંબંધો બનાવવાનું એક મોટું માધ્યમ છે. ગૌતમ ગંભીરની ગંભીર છબી પાછળના આ કોમળ અને લાગણીશીલ પાસાએ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
