તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
બે-બે આઈપીએલ ટ્રોફી અને ૫૦૧ રન છતાં પાટીદાર આઉટઃ અગરકરે કહ્યું: જગ્યા નથી, અમે મજબૂર છીએ!
સતત બીજી વાર ચેમ્પિયન બનાવનાર રજત પાટીદારની અવગણનાથી ફેન્સ લાલચોળ

મુંબઈ, તા.૮: આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને આગામી એશિયન ગેમ્સના પ્રવાસ માટે જાહેર કરાયેલી ટીમ ઇન્ડિયાની સિલેક્શન લીસ્ટ બહાર આવતાની સાથે જ ક્રિકેટ જગતમાં મોટો ભૂકંપ આવી ગયો છે. એકતરફ ટીમમાં બિહારના સનસનાટી મચાવનાર વૈભવ સૂર્યવંશી અને મીડિયમ પેસર પ્રિન્સ યાદવ જેવા નવયુવાન ચેહરાઓને પ્રથમ વાર ટીમ ઇન્ડિયાની બ્લુ જર્સી પહેરવાનો મોકો મળ્યો છે, જેને પગલે ફેન્સમાં ભારે ઉત્સાહ છે. પરંતુ બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પોતાની જાદુઈ કેપ્ટનશીપ હેઠળ સતત બીજી વાર આઈપીએલનો ખિતાબ જીતાડનારા રજત પાટીદારની સાવ ઉપેક્ષા કરી દેવામાં આવતા સોશિયલ મીડિયા પર પસંદગીકારો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ સીઝનમાં પાટીદારે પોતાના બેટથી એવી ધમાકેદાર આતશબાજી કરી હતી કે વિરોધી ટીમોના સુપડા સાફ થઈ ગયા હતા, છતાં તેમને કયા કારણે ટીમમાં જગ્યા ન મળી તે દેશભરના ક્રિકેટ રસિકો માટે મોટો સવાલ બન્યો હતો. આ સળગતા વિવાદ પર આખરે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં ખુલીને મોટું નિવેદન આપવું પડ્યું છે.
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પત્રકારો સામે સ્વીકાર્યું હતું કે, પસંદગી બેઠક દરમિયાન રજત પાટીદારના નામ પર કલાકો સુધી ગંભીર મંથન ચાલ્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટમાં હાલ એટલું બધું પ્રચંડ ટેલેન્ટ ઉપલબ્ધ છે કે ટીમમાં સ્થાન મેળવવા માટે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. દેશનું પ્રતિનિધિત્વ કરવાની પૂરી લાયકાત ધરાવતા હોવા છતાં પણ માત્ર મર્યાદિત ૧૫ સભ્યોની જગ્યા હોવાને કારણે પાટીદાર જેવા ઇન-ફોર્મ ખેલાડીને નાછૂટકે બહાર રાખવા પડ્યા છે. અગરકરે ઉમેર્યું કે, જે ખેલાડીઓ પસંદ કરાયા છે તે તમામ પૂરા હકદાર છે અને અમે એક મજબૂત ટીમ બનાવી છે, જોકે આ પ્રક્રિયામાં કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ વંચિત રહી જાય તેનું અમને પણ દુઃખ છે.
આઈપીએલમાં આ વિસ્ફોટક બેટ્સમેને આ સીઝનમાં ૧૯૨.૬૯ ના ફાડી નાખે તેવા સ્ટ્રાઈક રેટથી કુલ ૫૦૧ રન બનાવ્યા હતા.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
