<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

મહિલા ક્રિકેટમાં લક્ષ્મીજીની મહેર: આગામી T20 વર્લ્ડ કપ માટે ICCએ જાહેર કર્યું 82 કરોડનું રેકોર્ડ ઇનામ ભંડોળ, વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ

ઇંગ્લેન્ડમાં રમાનારા 12 ટીમોના મહાકુંભમાં ઇનામ રાશિમાં 10%નો જંગી વધારો: લોર્ડ્સના મેદાન પર રમાશે ફાઈનલ, ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 જૂને હાઈ-વોલ્ટેજ જંગ

લંડન : મહિલા ક્રિકેટના વધતા વ્યાપ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જૂન-જુલાઈ 2026માં ઇંગ્લેન્ડની ધરતી પર રમાનારા આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે આશરે 82 કરોડ રૂપિયા (USD 8,764,615) ના રેકોર્ડ ઇનામ ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. 2024માં UAE માં રમાયેલી ટુર્નામેન્ટની સરખામણીએ આ વખતે ઇનામની રકમમાં 10 ટકાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
વિજેતા અને રનર્સ-અપ ટીમને શું મળશે?
નવા ઇનામ માળખા મુજબ, વર્લ્ડ કપ જીતનારી ટીમને અંદાજે 21.8 કરોડ રૂપિયા (USD 2,340,000) નું માતબર ઇનામ મળશે. જ્યારે ફાઈનલમાં હારનાર એટલે કે રનર્સ-અપ ટીમને આશરે 10 કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં પહોંચનારી ટીમો પણ ખાલી હાથે નહીં રહે, તેમને અંદાજે 6.29 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, ગ્રુપ સ્ટેજની દરેક મેચ જીતવા બદલ ટીમને વધારાના 29 લાખ રૂપિયાનું પ્રોત્સાહન મળશે.
ટુર્નામેન્ટનું નવું ફોર્મેટ અને ભારતનો પ્રારંભ
આ વખતે ટુર્નામેન્ટમાં ટીમોની સંખ્યા 10 થી વધારીને 12 કરવામાં આવી છે, જે મહિલા ક્રિકેટના વૈશ્વિક સ્તરે થઈ રહેલા વિસ્તરણને દર્શાવે છે. આ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-A માં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમો સાથે છે. ભારતીય મહિલા ટીમ 14 જૂને પાકિસ્તાન સામે રમીને પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની શરૂઆત 12 જૂને એજબેસ્ટન ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચથી થશે.
CEO નું નિવેદન અને ફાઈનલની તૈયારી
ICC ના CEO સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "મહિલા ક્રિકેટનો વિકાસ અત્યંત ઝડપી છે. ઇનામ ભંડોળમાં વધારો એ રમતને વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો ભાગ છે." આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 જુલાઈના રોજ રમાશે. તે પહેલાં મે મહિનામાં વર્લ્ડ કપ ટ્રોફી સ્કોટલેન્ડ સહિતના વિવિધ યજમાન શહેરોમાં પ્રદર્શિત કરવામાં આવશે, જે ચાહકોમાં ઉત્સાહ વધારવાનું કામ કરશે.

(9:31 PM IST)