તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
IPL 2026: ધોનીની વાપસીની રાહ લંબાઈ, દિલ્હી કે કોલકાતા નહીં પણ આ ટીમ સામે મેદાનમાં ઉતરશે 'થાલા'
ચેન્નાઈ સુપર કિંગ્સની સતત હાર અને પોઈન્ટ ટેબલમાં તળિયે હોવા છતાં ફેન્સ માટે રાહ જોવાનો સમય વધ્યો: ઈજાના કારણે 14 એપ્રિલની કમબેક ડેટ ટળી, હવે હૈદરાબાદ સામેના જંગમાં મહી મચાવશે ધૂમ

ચેન્નાઈ: IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત અત્યંત નાજુક જોવા મળી રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં ટીમ અત્યાર સુધી એક પણ જીત નોંધાવી શકી નથી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પછડાઈ છે. ચાહકો અપેક્ષા રાખી રહ્યા હતા કે ધોની 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં પરત ફરશે, પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ ધોનીને સંપૂર્ણ ફિટ થવા માટે હજુ વધુ સમય લાગશે. હવે તે 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતા છે, જે CSKના ફેન્સ માટે લાંબી પ્રતીક્ષા સમાન છે.
આજે 11 એપ્રિલે ચેપોક સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી મહત્વની મેચમાં પણ ધોની ઉપલબ્ધ રહેશે નહીં. પગની ઈજામાંથી રિકવર થઈ રહેલા 'કેપ્ટન કૂલ'ની ખોટ ફિલ્ડિંગ અને બેટિંગ બંનેમાં વર્તાઈ રહી છે. જોકે, ટીમ માટે રાહતના સમાચાર એ છે કે આક્રમક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ સાઈડ સ્ટ્રેનમાંથી મુક્ત થઈને આજની મેચમાં વાપસી કરી રહ્યો છે. બ્રેવિસના આવવાથી મિડલ ઓર્ડર મજબૂત થશે, પરંતુ સ્ટેડિયમમાં ગુંજતા 'ધોની-ધોની'ના નારા માટે હજુ એક અઠવાડિયું રાહ જોવી પડશે.
ધોનીની વાપસી પહેલા CSKનું મેનેજમેન્ટ તેની ફિટનેસ બાબતે કોઈ જોખમ લેવા માંગતું નથી. રેવસ્પોર્ટ્ઝના અહેવાલ મુજબ, આગામી એક અઠવાડિયું ધોની માટે રિહેબિલિટેશનનું રહેશે જેથી તે ટુર્નામેન્ટના અંતિમ તબક્કા સુધી રમી શકે. ચેન્નાઈના ચાહકો હવે આશા લગાવીને બેઠા છે કે 18 એપ્રિલની એ સાંજ ટીમની કિસ્મત બદલી નાખશે. ધોની વિનાની CSK સાવ વિખરાયેલી દેખાઈ રહી છે,.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
