<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

શમીની જાદુઈ બોલિંગ પાછળનું રહસ્ય ખુલ્યું: અભિષેક શર્માને ફસાવવા રાતોરાત શોધ્યો 'નવો બોલ', કોચ ભરત અરુણ સાથે મળીને ઘડ્યો માસ્ટર પ્લાન

ઉંમર માત્ર આંકડો છે! લખનૌ સુપર જાયન્ટ્સના કોચે શમીની શીખવાની ધગશને બિરદાવી: સનરાઈઝર્સના સ્ટાર બેટ્સમેનોને પાણી પીવડાવ્યું, માત્ર 9 રન આપી 2 વિકેટ ઝડપી

કોલકાતા : ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતા ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે શા માટે વિશ્વનો શ્રેષ્ઠ બોલર ગણાય છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શમીએ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માને જે રીતે આઉટ કર્યો, તેની પાછળ એક મોટી રણનીતિ હોવાનો ખુલાસો લખનૌના સ્પિન બોલિંગ કોચ કાર્લ ક્રોએ કર્યો છે. શમીએ આ મેચના માત્ર ચાર દિવસ પહેલા જ એક નવા પ્રકારનો 'સ્લોઅર બોલ' વિકસાવ્યો હતો.
૪ દિવસમાં શીખ્યો નવો કરતબ
કોચ કાર્લ ક્રોએ જણાવ્યું કે, ભારતના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણ અને શમીએ મેચના ચાર દિવસ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન એક વિશિષ્ટ બોલ પર કામ કર્યું હતું. આ બોલ ઓફ-સ્ટમ્પની બહાર નીકળતી વખતે અત્યંત ધીમો થઈ જતો હતો. મેચ દરમિયાન અભિષેક શર્મા આ બોલને સમજવામાં થાપ ખાઈ ગયો અને ડ્રાઈવ મારવાના પ્રયાસમાં શોર્ટ થર્ડ મેન પર એમ. સિદ્ધાર્થના હાથે કેચ આઉટ થયો. આ જ નવીનતા શમીને અન્ય બોલરોથી અલગ પાડે છે.
હૈદરાબાદના બેટિંગ ઓર્ડરના લીરેલીરા ઉડાડ્યા
શમીએ હૈદરાબાદ સામે માત્ર ૨ વિકેટ જ નથી લીધી, પરંતુ તેની બોલિંગમાં જે ચોકસાઈ જોવા મળી તે અદભૂત હતી. તેણે પોતાની ૪ ઓવરના સ્પેલમાં માત્ર ૯ રન ખર્ચ્યા હતા, જેમાં ૧૮ 'ડોટ બોલ'નો સમાવેશ થાય છે. ટ્રેવિસ હેડ જેવા આક્રમક બેટ્સમેનને પણ તેણે પોતાની લાઈન અને લેન્થથી લાચાર કરી દીધો હતો. શમીના આ શાનદાર દેખાવને કારણે લખનૌએ આ મેચ ૫ વિકેટે જીતી લીધી હતી.
પસંદગીકારો માટે મોટો પડકાર
સ્થાનિક સિઝનમાં બંગાળ માટે ૬૮ વિકેટ ઝડપ્યા બાદ હવે IPLમાં પણ શમીનો કહેર જોવા મળી રહ્યો છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો તેને ફરીથી ભારતીય ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. કાર્લ ક્રોએ ઉમેર્યું કે, "કોઈ પણ ખેલાડી નવું કૌશલ્ય શીખવા માટે ક્યારેય વૃદ્ધ નથી હોતો. શમીની માનસિકતા જ તેને વિજેતા બનાવે છે."
આ સાથે જ કોચે કેપ્ટન ઋષભ પંતના પણ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે પંત બોલરોના મંતવ્યો સાંભળીને તેમને મેદાન પર પૂરી સ્વતંત્રતા આપે છે, જે ટીમની સફળતાનું મોટું કારણ છે.

(9:34 PM IST)