તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 6th April 2026
એશિયન બોક્સિંગ રિંગમાં ભારતીય નારીશક્તિનો દબદબો: પ્રીતિ પવારે ઓલિમ્પિક મેડલિસ્ટને હંફાવી ફાઇનલમાં કરી એન્ટ્રી, પ્રિયા અને અરુંધતી પણ ગોલ્ડ મેડલની રેસમાં
પ્રીતિનો કોરિયન બોક્સર સામે ૫-૦ થી એકતરફી વિજય; નિખત ઝરીન અને લવલીનાની સફર અટકી, પૂજા રાની અને અંકુશિતાએ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

ઉલાનબાતર (મંગોલિયા) : મંગોલિયાના ઉલાનબાતર ખાતે રમાઈ રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સર પ્રીતિ પવારે અદભૂત રમતનું પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પ્રીતિએ પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા દક્ષિણ કોરિયાની એજી ઇમને ૫-૦ થી પછાડીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે, અનુભવી બોક્સર નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો અને તેઓ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગઈ છે.
પ્રીતિનું ક્લિનિકલ પરફોર્મન્સ
એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રીતિ પવારે રિંગમાં ભારે આત્મવિશ્વાસ બતાવ્યો હતો. તેણે કોરિયન હરીફ સામે ત્રણેય રાઉન્ડમાં પ્રભુત્વ જાળવી રાખીને જજોનો સર્વસંમતિથી નિર્ણય (૫-૦) પોતાના પક્ષમાં ખેંચ્યો હતો. હવે ગોલ્ડ મેડલ માટે તેનો મુકાબલો ચાઇનીઝ તાઈપેઈની ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન હુઆંગ હ્સિયાઓ-વેન સામે થશે, જે ખરાખરીનો જંગ બની રહેશે.
પ્રિયા અને અરુંધતી પણ ફાઇનલમાં
મહિલાઓની ૬૦ કિગ્રા શ્રેણીમાં પ્રિયાએ યજમાન મંગોલિયાની નામુન મોનખોરને તેના જ ઘરઆંગણે ૫-૦ થી હરાવીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે તે ઉત્તર કોરિયાની ઉન ગ્યોંગ વોન સામે ટાઇટલ માટે લડશે. બીજી તરફ, ૭૦ કિગ્રા સેમિફાઇનલમાં અરુંધતી ચૌધરીએ ઉઝબેકિસ્તાનની ઓયશા તોઇરોવાને ૪-૧ થી હરાવીને પ્રભાવિત કર્યા હતા. ફાઇનલમાં તેનો મુકાબલો કઝાકિસ્તાનની બકિત સીદીશ સામે થશે.
બ્રોન્ઝ મેડલ સાથે સફર પૂર્ણ
વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા પૂજા રાની અને અંકુશિતા બોરો સેમિફાઇનલમાં હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ સાથે સંતોષ માનવો પડ્યો છે. ભારત માટે આવતીકાલનો દિવસ પણ મહત્વનો રહેશે, કારણ કે ૪૮ કિગ્રા વજન વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન મીનાક્ષી હુડા અને ૫૭ કિગ્રામાં જૈસ્મીન લેમ્બોરિયા સેમિફાઇનલના જંગમાં ઉતરશે.
ભારતીય મહિલા બોક્સરો અત્યારે એશિયન સ્તરે પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. હવે નજર એ વાત પર છે કે ફાઇનલમાં પહોંચેલી ત્રણેય દીકરીઓ ભારતને કેટલા ગોલ્ડ મેડલ અપાવે છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
