<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

આર. અશ્વિનનો ‘રિટાયરમેન્ટ બોમ્બ’: CSK સાથેની માનસિક પીડા અને અન્યાય બાદ IPL ને અલવિદા, ભાવુક થઈને કહ્યું – “મને વહેલા ક્રિકેટ છોડવા મજબૂર કરાયો”

ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ પર અશ્વિનનો આડકતરો પ્રહાર; ફ્રેન્ચાઇઝીના ૧૦ કરોડ બચાવવા લીધો નિવૃત્તિનો નિર્ણય, છેલ્લી સિઝનમાં માત્ર ૯ મેચ રમાડતા અનુભવી ખેલાડીનું દિલ દુભાયું

ચેન્નાઈ : ભારતીય ક્રિકેટના સૌથી બુદ્ધિશાળી સ્પિનરોમાં જેની ગણના થાય છે તેવા રવિચંદ્રન અશ્વિને IPL માંથી નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની યુટ્યુબ ચેનલ ‘અશ કી બાત’ પર ખુલાસો કરતા અશ્વિને જણાવ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથેની તેની છેલ્લી સિઝન માનસિક રીતે અત્યંત પરેશાન કરનારી હતી, જેના કારણે તેને વહેલા ક્રિકેટ છોડવાની ફરજ પડી છે.
“વતનમાં શરૂઆત કરી અને વતનમાં જ અંત”
અશ્વિને ભારે હૈયે જણાવ્યું કે, તેણે પોતાની IPL સફર ચેન્નાઈથી શરૂ કરી હતી અને તે પોતાના વતનમાં જ તેને પૂર્ણ કરવા માંગતો હતો. જોકે, ૨૦૨૫ની સિઝન દરમિયાન તેને ટીમમાં તેની ભૂમિકા વિશે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નહોતી. ૧૪ મેચોમાંથી તેને માત્ર ૯ મેચમાં જ રમવાની તક મળી હતી, જે તેના જેવા સિનિયર ખેલાડી માટે અપમાનજનક અને પીડાદાયક હતું. અશ્વિને કહ્યું, "હું વધુ રમી શક્યો હોત, પણ માનસિક રીતે હું ભાંગી પડ્યો હતો. મારી પાસે બાકીનું બધું સંભાળતી વખતે રમવા માટેની બેન્ડવિડ્થ નહોતી."
CSK ના ૧૦ કરોડ બચાવવા લીધો નિર્ણય
અશ્વિને એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, તેણે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું જેથી ફ્રેન્ચાઇઝી તેને જાળવી રાખવા (Retain) કે મુક્ત કરવાના (Release) મૂંઝવણભર્યા નિર્ણયમાંથી બચી શકે. તેણે કહ્યું, "મારા આ નિર્ણયથી ટીમના પર્સમાં ૧૦ કરોડ રૂપિયા બચ્યા છે. તેઓ આ રકમથી હરાજીમાં યુવાન ખેલાડીઓ ખરીદી શકશે અને મજબૂત ટીમ બનાવી શકશે. મને આશા હતી કે સ્થિતિ સુધરશે, પણ અંતે મારે આકરો નિર્ણય લેવો પડ્યો."
ધોનીના નેતૃત્વ અને ગાયકવાડની કેપ્ટનશીપમાં સંઘર્ષ
અશ્વિનને CSK એ ૯.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, ૪૫ વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી હોવા છતાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ છેલ્લા કેટલાક સમયથી ફોર્મ મેળવવા ઝઝૂમી રહી છે. ૨૦૨૬ની વર્તમાન સિઝનમાં પણ રૂતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ ટીમનો દેખાવ અત્યંત નબળો રહ્યો છે. સતત ત્રણ હાર અને ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની ૪૩ રનની કારમી હાર બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં તળિયે પહોંચી ગઈ છે.
અશ્વિનની આ નિવૃત્તિ માત્ર એક ખેલાડીની વિદાય નથી, પરંતુ CSK ના આંતરિક સંચાલન અને સિનિયર ખેલાડીઓ સાથેના વ્યવહાર પર પણ ગંભીર સવાલો ઉભા કરે છે. જે સ્પિનરે ભારતને અનેક મેચો જીતાડી, તેની IPL કારકિર્દીનો આવો અંત ક્રિકેટ પ્રેમીઓ માટે આઘાતજનક છે.

(8:39 PM IST)