તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
IPL 2026 : બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનો દબદબો : ચેન્નાઈ સુપર કિંગ્સનો 43 રને કારમો પરાજય
250 રનના વિશાળ લક્ષ્યાંક સામે CSKની ટીમ થઈ ધરાશાયી : સતત ત્રીજી હાર સાથે ઋતુરાજ ગાયકવાડની સેના પોઈન્ટ ટેબલમાં તળિયે : ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુની વિજયકૂચ જારી

બેંગલુરુ:IPL 2026ની હાઈ-પ્રોફાઈલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) પોતાના ઘર આંગણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 43 રને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 250 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ચેન્નાઈની ટીમ નિર્ધારિત ઓવરોમાં લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી. આ જીત સાથે RCBએ સાબિત કરી દીધું છે કે તેઓ વર્તમાન સમયની સર્વશ્રેષ્ઠ ટીમ કેમ છે, જ્યારે ચેન્નાઈ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
બદલાયેલો ઈતિહાસ અને RCBનો વિજય રથ:
ગત સીઝનથી બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેના મુકાબલાનો ઈતિહાસ બદલાઈ રહ્યો હોય તેમ જણાય છે. વર્ષ 2025માં RCBએ ચેન્નાઈના ગઢ ગણાતા ચેપોકમાં 2008 પછી પ્રથમવાર જીત મેળવી હતી અને ત્યારબાદ પોતાનું પ્રથમ IPL ટાઈટલ પણ જીત્યું હતું. આજે ચિન્નાસ્વામી ખાતે રમાયેલી મેચમાં પણ RCBએ એ જ લય જાળવી રાખી હતી. સતત ત્રણ મેચમાં ચેન્નાઈને હરાવીને બેંગલુરુએ આ હરીફાઈમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. બીજી તરફ, ગત સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી ચેન્નાઈની ટીમ આ વર્ષે પણ સતત ત્રીજી હાર (RR, PBKS અને હવે RCB સામે) સાથે સંઘર્ષ કરી રહી છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
* રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ અને જેકબ ડફી.
* ચેન્નાઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી અને ખલીલ અહમદ.
CSK માટે ચિંતાજનક શરૂઆત
251 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ માટે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસનની જોડી ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે. બેંગલુરુના જેકબ ડફી અને ભુવનેશ્વર કુમારની ધારદાર બોલિંગ સામે ચેન્નાઈનો ટોપ ઓર્ડર વેરવિખેર થઈ ગયો હતો. ટીમની આ સતત હારને કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી રહી છે. સુપર સન્ડેના આ ડબલ હેડર બાદ હવે પોઈન્ટ ટેબલનું માળખું સ્પષ્ટ થવા લાગ્યું છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ફેવરિટ તરીકે ઉભરી રહી છે, જ્યારે પાંચ વખતની ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નાઈ લય મેળવવા માટે ફાંફા મારી રહી છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
