<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

IPL 2026: હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશીપ; જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય

દિલ્હી કેપિટલ્સ સામેની મહત્વની મેચ પૂર્વે મુંબઈની ટીમમાં મોટા ફેરફાર: હાર્દિકની નાદુરસ્ત તબિયતને કારણે 'મિસ્ટર 360' સંભાળશે ટીમની કમાન, પ્લેઈંગ ઈલેવનમાં દીપક ચહર અને કોર્બિન બોશની એન્ટ્રી

મુંબઈ, તા.૪: આઈપીએલ (IPL) 2026 માં અત્યારે ક્રિકેટ રસિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી સીઝનની આઠમી મેચ પૂર્વે મુંબઈની ટીમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં રમી રહ્યા નથી અને તેમના સ્થાને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. ટોસ સમયે જ્યારે સૂર્યકુમાર મેદાન પર આવ્યા ત્યારે ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હાર્દિક પંડ્યાની ગેરહાજરીનું કારણ જણાવતા કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટતા કરી હતી કે હાર્દિકની તબિયત સારી નથી. તેમણે કહ્યું, "હાર્દિક અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે સ્વસ્થ દેખાતો નથી, તેથી તે આજની મેચ માટે ઉપલબ્ધ નથી. આજે હું તેની ગેરહાજરીમાં ટીમની પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરીશ." સૂર્યકુમારે વધુમાં ઉમેર્યું કે ટીમમાં પાછલી જીત બાદ ઘણી સકારાત્મકતા છે, પરંતુ આ મેદાનની સ્થિતિ વાનખેડે કરતા એકદમ અલગ છે.
કેપ્ટન બદલાવાની સાથે મુંબઈની ટીમમાં અન્ય ત્રણ મહત્વના ફેરફારો પણ કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાના સ્થાને ઝડપી બોલર દીપક ચહરને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, અનુભવી બોલર ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ ઓલરાઉન્ડર કોર્બિન બોશને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રીજા ફેરફાર તરીકે મિશેલ સેન્ટનરને અલ્લાહ ગઝનફરના સ્થાને ટીમમાં લેવામાં આવ્યો છે. મુંબઈની ટીમ આ નવી રણનીતિ સાથે દિલ્હી સામે જીત મેળવવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, કોર્બીન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

(11:56 PM IST)