News of Saturday, 4th April 2026
આઈપીએલ 2026 માં રફ્તારનો નવો રાજા: અશોક શર્માએ 154.2 Kmph ની ઝડપે બોલ ફેંકીને સનસનાટી મચાવી, તોડ્યો એનરિચ નોર્ટજેનો રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સના યુવા સ્પીડસ્ટરે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં છોડ્યો 'ગતિનો ગોળો': ધ્રુવ જુરેલને ફેંકેલા ઘાતક યોર્કરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું, જાણો કોણ છે આ નવો એક્સપ્રેસ બોલર

અમદાવાદ : IPL 2026ની સીઝનમાં અત્યારે માત્ર ચોગ્ગા-છગ્ગાની જ નહીં, પણ રફ્તારની પણ ચર્ચા થઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ગુજરાતના યુવા ફાસ્ટ બોલર અશોક શર્માએ પોતાની ગતિથી બેટ્સમેનોના હોશ ઉડાવી દીધા છે. 23 વર્ષીય આ સ્પીડસ્ટરે ઇનિંગની 16મી ઓવરમાં ધ્રુવ જુરેલ સામે 154.2 Kmphની ઝડપે આ સીઝનનો સૌથી ફાસ્ટ બોલ ફેંકીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાથે જ તેણે લખનઉ સુપર જાયન્ટ્સના એનરિચ નોર્ટજેનો 150.9 Kmphનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધો છે.
મેચ દરમિયાન અશોક શર્માએ સતત 145 Kmphથી વધુની ઝડપે બોલિંગ કરીને રાજસ્થાનના બેટ્સમેનોને દબાણમાં રાખ્યા હતા. પોતાની ત્રીજી ઓવરમાં તેણે બે વખત 150નો આંકડો પાર કર્યો હતો, જેમાં 150.4 Kmph બાદ તરત જ 154.2 Kmphની ઝડપે ત્રાટકેલા યોર્કરે સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોને પણ સ્તબ્ધ કરી દીધા હતા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાન માટે સૌથી વધુ વિકેટ ઝડપ્યા બાદ ગુજરાત ટાઇટન્સે આ રત્નને ઓળખી કાઢ્યો હતો અને હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટને આ યુવા બોલર પર એટલો ભરોસો હતો કે તેમણે અનુભવી પ્રખ્યાત કૃષ્ણા કરતા પણ પહેલા અશોક શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું. અશોકે પણ આ ભરોસા પર ખરા ઉતરીને ન્યૂ ચંદીગઢમાં 31 રન આપી 1 વિકેટ અને ત્યારબાદ અમદાવાદમાં પણ શાનદાર બોલિંગ કરી છે. જોકે રાજસ્થાન રોયલ્સે 200થી વધુ રનનો સ્કોર ખડક્યો હતો, પરંતુ અશોકની આ ગતિએ આઈપીએલના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી દીધું છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
