<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

IPL 2026 : શ્રેયસ અય્યરની કેપ્ટન ઇનિંગ્સથી પંજાબ કિંગ્સનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પાંચ વિકેટે ભવ્ય વિજય : CSKની સતત બીજી હાર

ચેપોક સ્ટેડિયમમાં ૨૧૦ રનના તોતિંગ લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સના બેટ્સમેનોનો દબદબો : એમ.એસ. ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈની ટીમ વેરવિખેર : પંજાબ કિંગ્સ સતત બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર

ચેન્નાઈ:ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સને ૫ વિકેટે પરાજય આપીને વિજયકૂચ જારી રાખી છે. ૨૧૦ રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે શ્રેયસ અય્યરની અડધી સદી અને ઓપનરોના આક્રમક પ્રારંભની મદદથી મેચ પોતાના નામે કરી લીધી હતી. બીજી તરફ, દિગ્ગજ ખેલાડી એમ.એસ. ધોનીની ગેરહાજરી ચેન્નાઈને ભારે પડી રહી છે, ટીમે સિઝનની શરૂઆતની સતત બીજી મેચ ગુમાવી છે.

પંજાબનો આક્રમક પ્રારંભ અને મિડલ ઓર્ડરનો પાવર:
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત સ્ફોટક રહી હતી. ઓપનર પ્રિયાંશ આર્યાએ ચેન્નાઈના ફાસ્ટ બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી અને માત્ર ૧૧ બોલમાં ૩૯ રનની આક્રમક ઇનિંગ રમી હતી. ત્યારબાદ પ્રભસિમરન સિંઘે ૪૩ રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી, જોકે સરફરાઝ ખાનના સચોટ થ્રોને કારણે તે રનઆઉટ થયો હતો. કૂપર કોનોલીએ પણ શાનદાર બેટિંગ કરીને કેકેઆરના અંગક્રિશ રઘુવંશી પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી.

શ્રેયસ અય્યરનો રણચંડી અવતાર:
કૂપર કોનોલી આઉટ થયા બાદ મેદાન પર પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરનો જાદુ જોવા મળ્યો હતો. અય્યરે પરિસ્થિતિને સમજીને ચેન્નાઈના બોલરો પર પ્રચંડ હુમલો કર્યો હતો. તેણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી માત્ર ૨૬ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અય્યરે પાયો નાખ્યા બાદ અંતિમ ઓવરોમાં જીતવા માટે માત્ર ૨૪ રનની જરૂર હતી. નેહલ વઢેરા સસ્તામાં આઉટ થયો હોવા છતાં, માર્કસ સ્ટોઈનિસ અને શશાંક સિંઘે બાજી સંભાળી હતી.

ચેન્નાઈની મુશ્કેલીઓ વધી:
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ હાર આંચકા સમાન છે. ૨૦૦થી વધુનો સ્કોર બનાવ્યા હોવા છતાં બોલરો રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. એમ.એસ. ધોનીની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ અને મેદાન પરની રણનીતિ નબળી સાબિત થઈ રહી હોય તેમ જણાય છે. પંજાબ કિંગ્સે ૮ બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન કબજે કર્યું છે, જ્યારે ચેન્નાઈ હજુ પણ પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવી શકી નથી. પંજાબની આ જીતથી તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(11:39 PM IST)