તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 3rd April 2026
IPL 2026 માં મોટો વિવાદ: અમ્પાયરના નિર્ણય પર ગુસ્સો કરવો અભિષેક શર્માને પડ્યો ભારે, BCCI એ ફટકાર્યો આકરો દંડ
SRH ના વાઇસ કેપ્ટન અભિષેક શર્માની મેચ ફીમાં ૨૫% નો કાપ; વરુણ ચક્રવર્તીના વિવાદાસ્પદ કેચ બાદ મેદાન પર અસંમતિ દર્શાવવી શિસ્તભંગ ગણાઈ

કોલકાતા: તા.૩ આઈપીએલ ૨૦૨૬ ની સિઝનમાં રોમાંચની સાથે હવે વિવાદો પણ શરૂ થઈ ગયા છે. ગુરુવારે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં હૈદરાબાદના સ્ટાર ઓપનર અને વાઇસ કેપ્ટન અભિષેક શર્માને શિસ્તભંગ બદલ સજા ફટકારવામાં આવી છે. અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવા બદલ અભિષેકને તેની મેચ ફીના ૨૫ ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મેચની નવમી ઓવરમાં જ્યારે અભિષેક શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે બ્લેસિંગ મુઝારાબાનીના બોલ પર વરુણ ચક્રવર્તીએ ડાઈવ લગાવીને એક કેચ પકડ્યો હતો. રિપ્લેમાં કેચ ચોખ્ખો હોવાના કોઈ મજબૂત પુરાવા ન હોવા છતાં, ટીવી અમ્પાયર નીતિન મેનને અભિષેકને આઉટ જાહેર કર્યો હતો. અમ્પાયરના આ નિર્ણયથી અભિષેક અત્યંત નિરાશ દેખાયો હતો અને તેણે મેદાન છોડતી વખતે પોતાની અસંમતિ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જે આઈપીએલની આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાયું છે.
મેચ રેફરીની કડક કાર્યવાહી
અભિષેક શર્માએ આઈપીએલ આચારસંહિતાની કલમ ૨.૩ હેઠળ લેવલ ૧ ના ગુનાનો સ્વીકાર કર્યો છે. આ નિયમ હેઠળ મેચ રેફરીનો નિર્ણય અંતિમ ગણાય છે. જોકે અભિષેકે માત્ર ૨૧ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૪૮ રનની તોફાની ઇનિંગ રમીને હૈદરાબાદને મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ આ વિવાદે તેની ઇનિંગ પર થોડો ડાઘ લગાડી દીધો છે.
SRH ની શાનદાર જીત
ભલે અભિષેક શર્મા દંડાયો હોય, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચમાં કેકેઆરને ૬૫ રને હરાવીને આઈપીએલ ૨૦૨૬ માં પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે. હૈદરાબાદના બોલરો અને બેટ્સમેનોએ સંયુક્ત પ્રદર્શન કરીને ટીમને સિઝનની પહેલી જીત અપાવી હતી. જોકે, વાઇસ કેપ્ટન તરીકે અભિષેકે હવે મેદાન પર પોતાના વર્તન પર સંયમ રાખવો પડશે જેથી આગામી મેચોમાં ટીમ મુશ્કેલીમાં ન મુકાય.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
