<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ઈડન ગાર્ડન્સમાં નીતિશ રેડ્ડીનો 'ઓલરાઉન્ડ' ધમાકો: હૈદરાબાદે કોલકાતાને ૬૫ રને કચડ્યું, યુવા ખેલાડીએ બેટ અને બોલ બંનેથી મચાવી ધૂમ

હેનરિક ક્લાસેનની ફિફ્ટી અને રેડ્ડીની ધારદાર બોલિંગ સામે KKR પસ્ત; કેપ્ટન ઇશાન કિશને જીતનો શ્રેય ટીમને આપ્યો, ફિલ્ડિંગ સુધારવા પર મૂક્યો ભાર

કોલકાતા: તા.૩ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે આઈપીએલ ૨૦૨૬ ની આ સિઝનમાં આખરે જીતનો સૂર્યોદય થયો છે. ગુરુવારે કોલકાતાના મેદાન પર રમાયેલા મુકાબલામાં હૈદરાબાદે યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ૬૫ રનથી હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી છે. આ જીતનો અસલી હીરો ૨૦ વર્ષીય નીતિશ કુમાર રેડ્ડી રહ્યો છે, જેણે લાંબા સમયની રાહ જોયા બાદ મેચવિનિંગ પ્રદર્શન કરીને સૌના દિલ જીતી લીધા છે.
બેટિંગમાં ક્લાસેન અને રેડ્ડીની તોફાની ભાગીદારી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરી પાયો નાખ્યો હતો. ત્યારબાદ હેનરિક ક્લાસેને માત્ર ૨૬ બોલમાં ૫૨ રન ફટકારીને સ્કોરને ગતિ આપી હતી. અંતિમ ઓવરોમાં નીતિશ કુમાર રેડ્ડીએ ૩૯ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને ૮ વિકેટે ૨૨૬ રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી.
રેડ્ડીની બોલિંગ સામે KKR ના બેટ્સમેનો લાચાર
૨૨૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. નીતિશ રેડ્ડીએ માત્ર બેટિંગ જ નહીં, પણ બોલિંગમાં પણ કમાલ કરતા ૧૭ રન આપીને ૨ મહત્વની વિકેટ ઝડપી હતી. KKR ની ટીમ ૧૬ ઓવરમાં માત્ર ૧૬૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. હર્ષ દુબે અને શિવંગ કુમારે પણ શિસ્તબદ્ધ બોલિંગ કરીને ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી. નીતિશે મેચ બાદ કહ્યું કે, "આ પ્રદર્શનની હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો, મારી મહેનત આખરે રંગ લાવી છે."
કેપ્ટન ઇશાન કિશનની પ્રતિક્રિયા
SRH ના કેપ્ટન ઇશાન કિશને ટીમના આ સાંઘિક પ્રયાસના વખાણ કર્યા હતા. જોકે, તેમણે ફિલ્ડિંગને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "જીતથી ખુશ છું પણ ફિલ્ડિંગમાં હજુ સુધારાની જરૂર છે, અમે ૨૦ વધારાના રન આપી શકીએ નહીં." બીજી તરફ KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ સ્વીકાર્યું કે ટીમ મોટી ભાગીદારી બનાવવામાં નિષ્ફળ રહી અને આગામી મેચો માટે ટીમ કોમ્બિનેશનમાં ફેરફારના સંકેત આપ્યા હતા.
આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવી દીધું છે, જ્યારે કોલકાતા માટે હવે પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે.

(5:24 PM IST)