<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રિંગમાં ભારતીય મુક્કાબાજોનો દબદબો: સચિન સિવાચ અને વિશ્વનાથ સુરેશ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં

મંગોલિયાની ધરતી પર ભારતીય રમતવીરોએ ગજવ્યું મેદાન; હવે સેમીફાઇનલની ટિકિટ માટે વિશ્વ ચેમ્પિયન્સ સામે ટકરાશે

ઉલાનબાતાર:  મંગોલિયાના ઉલાનબાતારમાં રમાઈ રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મુક્કાબાજોએ વિજયી કૂચ જારી રાખી છે. ભારતના આશાસ્પદ બોક્સર સચિન સિવાચ અને વિશ્વનાથ સુરેશે પોતપોતાના મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશીને મેડલની આશા જીવંત રાખી છે.

સચિન સિવાચે 60 કિગ્રા વજન વર્ગના રાઉન્ડ ઓફ 16 માં સ્થાનિક ફેવરિટ બુયાન્ડલાઈ બાયરખુઉ સામે રિંગમાં ઉતરીને અદભૂત લડાયક મિજાજ બતાવ્યો હતો. સખત સંઘર્ષ બાદ સચિને 4-1 થી વિજય મેળવી અંતિમ આઠમાં સ્થાન પાક્કું કર્યું છે. ક્વાર્ટર ફાઇનલમાં હવે સચિનનો સામનો ચેંગ-વેઈ લી સામે થશે, જ્યાં જીત તેને સેમીફાઇનલ અને નિશ્ચિત મેડલની નજીક લઈ જશે.

બીજી તરફ, વિશ્વનાથ સુરેશે રિંગમાં સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે બેકઝત એર્ગેશોવને 5-0 થી એકતરફી હાર આપીને સર્વસંમતિથી વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, વિશ્વનાથ માટે આગામી પડકાર ઘણો કપરો રહેવાનો છે, કારણ કે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો વર્તમાન વિશ્વ ચેમ્પિયન સંઝાર તાશ્કેનબે સામે થશે. ભારતીય રમતપ્રેમીઓની નજર હવે આ બંને ખેલાડીઓના આગામી મુકાબલા પર ટકેલી છે.

(8:37 PM IST)