<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ક્રિકેટ જગતમાં ખળભળાટ: હવે આ દેશમાં IPL 2026 ના પ્રસારણ પર લાગી રોક! કરોડો ચાહકો લાઈવ મેચ જોવાથી વંચિત રહેશે; જાણો શું છે અસલી કારણ

JioStar અને બાંગ્લાદેશના T-Sports વચ્ચેનો હાઈ-પ્રોફાઈલ કરાર અચાનક રદ; પેમેન્ટમાં ગરબડ પડતા લેવાયો કડક નિર્ણય; પાકિસ્તાન બાદ હવે વધુ એક પાડોશી દેશમાં IPL ના પ્રસારણ પર ગ્રહણ

ઢાકા : વિશ્વની સૌથી લોકપ્રિય અને શ્રીમંત ક્રિકેટ લીગ IPL 2026ની આતુરતાથી રાહ જોઈ રહેલા બાંગ્લાદેશી ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. બાંગ્લાદેશમાં આ વર્ષે IPLનું સત્તાવાર પ્રસારણ કરવામાં આવશે નહીં. આ પાછળ કોઈ રાજકીય વિવાદ નહીં, પરંતુ પ્રસારણકર્તાઓ વચ્ચેનો નાણાકીય ગજગ્રાહ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ભારતીય પ્રસારણ કંપની JioStar એ બાંગ્લાદેશના T-Sports સાથેનો મીડિયા અધિકારોનો કરાર તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધો છે.
નાણાકીય વ્યવહારમાં ભૂલ પડી ભારે
રિપોર્ટ્સ અનુસાર, JioStar એ T-Sports ને વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૭ સુધીના સમયગાળા માટે સબ-લાઈસન્સ આપ્યું હતું. જોકે, T-Sports દ્વારા પેમેન્ટ કરવામાં વારંવાર વિલંબ અથવા ચૂકવણીમાં ગંભીર ભૂલો કરવામાં આવી હતી. આ નાણાકીય ડિફોલ્ટને કારણે JioStar એ કડક વલણ અપનાવીને લેખિતમાં જાણ કરી છે કે હવે આ કરાર અસ્તિત્વમાં નથી. આ નિર્ણયને કારણે બાંગ્લાદેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ હવે ટીવી કે ડિજિટલ પ્લેટફોર્મ પર IPL ની રોમાંચક મેચો માણી શકશે નહીં.
બાંગ્લાદેશ સરકારનો યુ-ટર્ન અને વિવાદો
ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય તણાવને કારણે અગાઉ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે IPL ના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી હતી. જોકે, પાછળથી વર્તમાન સરકારે તેને મંજૂરી આપી દીધી હતી. પરંતુ હવે જ્યારે સરકારી સ્તરે લીલી ઝંડી મળી છે, ત્યારે વ્યવસાયિક કારણોસર આ મોટી લીગ બાંગ્લાદેશી પડદા પરથી ગાયબ થઈ ગઈ છે. આ ઉપરાંત, આ વર્ષે મુસ્તફિઝુર રહેમાન જેવા સ્ટાર ખેલાડીઓ પણ IPL માં જોવા મળવાના નથી, જેણે પહેલાથી જ સ્થાનિક ચાહકોમાં નિરાશા જન્માવી હતી.
પાકિસ્તાન અને અન્ય દેશોની યાદીમાં બાંગ્લાદેશ
બાંગ્લાદેશ હવે એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જ્યાં IPL નું પ્રસારણ થતું નથી. પાકિસ્તાનમાં અગાઉથી જ IPL ના પ્રસારણ પર પ્રતિબંધ છે. આ સિવાય મધ્ય એશિયાના કેટલાક દેશો અને આફ્રિકાના એવા વિસ્તારો જ્યાં ક્રિકેટ લોકપ્રિય નથી, ત્યાં પણ આ લીગ ટેલિકાસ્ટ થતી નથી. જોકે, Yupp TV જેવા ગ્લોબલ પ્લેટફોર્મ્સ હજુ પણ ૭૦ થી વધુ દેશોમાં સ્ટ્રીમિંગ સુવિધા આપી રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશ માટે હવે કોઈ સત્તાવાર માધ્યમ બચ્યું નથી.

(7:17 PM IST)