તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કેકેઆર વચ્ચેની મેચમાં રોહિત શર્માએ બાઉન્ડ્રી પર આસાન કેચ પડતો મૂક્યો : વિરાટ કોહલી બાદ હવે હિટમેનનો વીડિયો વાયરલ
૧૫મી ઓવરમાં અંગક્રિશ રઘુવંશીનો કેચ છોડવો મુંબઈને ભારે પડ્યો : જીવનદાન મળ્યા બાદ યુવા બેટ્સમેને ૨૯ બોલમાં ૫૧ રનની આક્રમક ઈનિંગ રમીને કેકેઆરનો સ્કોર ૨૨૦ સુધી પહોંચાડ્યો

https://x.com/Kohlifi18/status/2038278144294261079
મુંબઈ:વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૬ની મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ બાઉન્ડ્રી પર એક અત્યંત સરળ કેચ છોડતા સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તેના એક દિવસ પહેલા જ બેંગલુરુમાં વિરાટ કોહલીએ પણ હૈદરાબાદ સામે આવી જ રીતે આસાન કેચ પડતો મૂક્યો હતો.
મિસજજમેન્ટને કારણે કેચ છૂટ્યો:
કેકેઆરની ઇનિંગની ૧૫મી ઓવરમાં આ ઘટના બની હતી જ્યારે એ.એમ. ગઝનફર પોતાની સ્પેલની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. રન બનાવવામાં મુશ્કેલી પડતા કેકેઆરના બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ બેટ પર બરાબર ન આવતા તે હવામાં ઘણો ઊંચો ગયો હતો અને લોન્ગ ઓન પર ઉભેલા રોહિત શર્માએ કેચ પકડવા માટે પોઝિશન લીધી હતી. રોહિત બાઉન્ડ્રી લાઈનથી એક ફૂટ અંદર હતો અને આ કેચ સરળતાથી પકડી શકાય તેમ હતો, પરંતુ હિટમેને બોલને જજ કરવામાં મોટી ભૂલ કરી હતી. પરિણામે બોલ તેના હાથમાંથી છટકી ગયો અને કેચ છૂટવાની સાથે બાઉન્ડ્રી પણ ગઈ હતી.
જીવનદાન બાદ અંગક્રિશની તોફાની બેટિંગ:
જ્યારે રોહિત શર્માએ કેચ છોડ્યો ત્યારે મુંબઈનો જ વતની એવો યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી ૧૭ બોલમાં ૨૧ રન પર રમી રહ્યો હતો. આ જીવનદાન મળ્યા બાદ તેણે મેચનું પાસું પલટી નાખ્યું હતું. ત્યારબાદના માત્ર ૧૨ બોલમાં તેણે ૩૦ રન ઝૂડી કાઢ્યા હતા અને કુલ ૨૯ બોલમાં ૫૧ રનની શાનદાર અર્ધસદી ફટકારી હતી. તેની આ આક્રમક બેટિંગના સહારે કેકેઆરની ટીમે વાનખેડેમાં પ્રથમ બેટિંગ કરતા ૨૨૦ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.
સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયા:
રોહિત શર્મા જેવો અનુભવી ખેલાડી જ્યારે આટલો આસાન કેચ છોડે ત્યારે તેની અસર આખી મેચ પર પડતી હોય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર આ પળને રોહિત શર્મા માટે ક્યારેય યાદ ન રાખવા જેવી ક્ષણ ગણાવી રહ્યા છે. વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્માએ પણ ફિલ્ડિંગમાં કરેલી આ મોટી ભૂલ ચર્ચાનો વિષય બની છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
